![]()
ઉતરાયણમાં કાર્યવાહીથી બચવા દોરી મંગાવી હતી
પોલીસે ૨૪ હજારની ૬૦ જેટલી રીલ જપ્ત કરીને વેપારી સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા
હોય છે ત્યારે પોલીસથી બચવા માટે ઉતરાણ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવનાર
દહેગામના વેપારીને પોલીસે ઝડપી લીધો છે અને તેની પાસેથી ૬૦ જેટલી ચાઈનીઝ દોરી કબજે
કરી હતી.
ઉતરાણ પર્વમાં ચીનમાંથી આવતી ઘાતક દોરીને કારણે પશુ
પક્ષીઓની સાથે નિર્દોષ મનુષ્યના પણ જીવ જઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે આ દોરી ઉપર
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઉતરાયણ પર્વ પહેલા પોલીસ દ્વારા આ દોરીને
પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે પરંતુ હવે વેપારીઓ પણ પોલીસને ચકમો
આપવા માટે ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવીને સંતાડી રહ્યા છે
ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, દહેગામના ઉગમણો
દેવીપુજક વાસ ખાતે રહેતો રોહન રાજેશકુમાર દંતાણી બોક્સમાં ચાઈનીઝ દોરીના જથ્થા
સાથે ઉભો રહીને તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દહેગામના
હરસોલી ચોકડી પાસે પહોંચી હતી. જ્યાં આ યુવાન હાજર મળી આવ્યો હતો અને તેની પૂછપરછ
કરતા તે રોહન રાજેશ દંતાણી હોવાની કબુલાત કરી હતી અને તેની પાસે રહેલા બોક્સમાં
તપાસ કરતા ચાઈનીઝ દોરીના ૬૦ જેટલા રીલ મળી આવ્યા હતા. જેથી ૨૪ હજાર રૃપિયાના
મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો અને આ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યો
હતો તે જાણવા માટે પણ તપાસ શરૃ કરવામાં આવી છે. હાલ તેની સામે જાહેરનામાના ભંગ બદલ
ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે. ઉતરાણ પર્વમાં પોલીસનું ચેકિંગ વધારે
હોવાથી અત્યારથી જ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું
છે.










