![]()
– દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ સાયબર એટેકના કારણે ઠપ થયાની આશંકા
– એર ટ્રાફિક કંટ્રોલ ડેટાને મદદ કરતી ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે ફ્લાઈટ્સ ૧ કલાકથી વધુ મોડી પડી
– ફ્લાઈટ્સના શેડયુલ ખોરવાતા બોર્ડિંગ ગેટ, ટર્મિનલમાં હજારો પ્રવાસીઓ અટવાયા
નવી દિલ્હી: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંના એક દિલ્હી એરપોર્ટ પર શુક્રવારે સવારથી જ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામી સર્જાતા ૮૦૦થી વધુ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી તથા ૨૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરાઈ હતી, જેને કારણે હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. એટીસીમાં ખામીથી એરપોર્ટ પર બધી જ એરલાઈન્સની ફ્લાઈટ્સના શેડયુલ ખોરવાઈ ગયા હતા. એરપોર્ટ પર
અધિકારીઓ હજુ પણ ખામી સુધારવા પર કામ કરી રહ્યા છે. બીજી બાજુ સાયબર હુમલાના કારણે એટીસીમાં ખામી થઈ હોવાના દાવા વચ્ચે ડીજીસીએએ આ અંગે તપાસ શરૂ કરી છે ત્યારે આઈટી મંત્રાલયે સાયબર હુમલાના દાવા નકારી કાઢ્યા હતા.
દેશના સૌથી વ્યસ્ત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દૈનિક ૧૫૦૦થી વધુ ફ્લાઈટ્સની મુવમેન્ટ્સ હોય છે તેવા સમયે ઈન્ડિગો, એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસ જેટ અને અકાસા એરની ફ્લાઈટ્સ વિલંબમાં મુકાઈ હતી. ફ્લાઈટ્સના ટ્રેકિંગ પર નજર રાખતી વેબસાઈટ ફ્લાઈટ રડાર૨૪.કોમ પર ઉપલબ્ધ માહિતી મુજબ દિલ્હી એરપોર્ટ પર ૮૦૦થી વધુ ફ્લાઈટ્સ વિલંબમાં મુકાઈ છે અને ફ્લાઈટ્સ ૫૦ મિનિટના વિલંબથી ચાલી રહી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સવારે ૧૦.૦૮ કલાકે જણાવ્યું હતું કે, દિલ્હી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ ડેટાને મદદ કરતી ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (એએમએસએસ)માં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે ફ્લાઈટ્સના ઉડ્ડયન વિલંબમાં મૂકાયા છે. અધિકારીઓ ખામી ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૂત્રો મુજબ ફ્લાઈટ્સના શેડયુલ ખોરવાઈ જતા બોર્ડિંગ ગેટ્સ નજીક લાંબી લાઈનો લાગી હતી અને ફ્લાઈટ અપડેટ માટે એરપોર્ટ ટર્મિનલ્સની અંદર હજારો પ્રવાસીઓએ રાહ જોવી પડી હતી.
નામ નહીં જણાવવાની શરતે એક અધિકારીએ કહ્યું કે, એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) સોફ્ટવેર અપગ્રેડ કરતી વખતે ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટ્સના સંચાલનમાં વિલંબ થયો છે. ફ્લાઈટ પ્લાનનું ઓટોમેટિક અપડેશન થવું જોઈતું હતું, જેણે કામ કરવાનું બંધ કરી દીધું. પરિણામે એએઆઈના કર્મચારીઓએ ઉપલબ્ધ ડેટાના આધારે મેન્યુઅલી ફ્લાઈટ્સનું પ્લાનિંગ કરવું પડયું હતું, જેમાં ઘણો સમય લાગતો હતો. પરિણામે મોટાભાગની ફ્લાઈટ્સ વિલંબથી ચાલી રહી છે. એરપોર્ટ પર એર ટ્રાફિકની ગીચતાના કારણે પણ સમસ્યામાં વધારો થયો હતો.
એટીસીમાં ખામી સર્જાતા સાયબર હુમલાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, આઈટી મંત્રાલયે આ આશંકાનો ઈનકાર કર્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સત્તાવાર રીતે કહ્યું હતું કે, આ કોઈ સાયબર હુમલો નથી. સરકારી કંપની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એર ટ્રાફિક કંટ્રોલ અને નેવિગેશન સેવા પૂરી પાડે છે. તેણે કહ્યું કે, તેમની ટેકનિકલ ટીમ સિસ્ટમને ફરીથી શરૂ કરવા માટે કામ કરી રહી છે. સૂત્રોએ કહ્યું કે, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ છેલ્લા બે દિવસથી સતત મુશ્કેલીનો સામનો કરી રહી હતી. આવા સમયમાં શુક્રવારે વહેલી સવારે ૫.૪૫ કલાકથી જ સિસ્ટમમાં ટેકનિકલ ઈશ્યુ શરૂ થઈ ગયો હતો.










