![]()
Rajkot Crime: આજે દેશભરમાં લોકો દિવાળીનો પાવન તહેવારના ઉજવી રહ્યા છે. એવામાં દિવાળીના એક દિવસ પહેલાંની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે કાળી ચૌદશની મોડી રાત્રે રાજકોટમાં લોહિયાળ ઘટના બની હતી, જેના પગલે રંગીલું શહેર હચમચી ઉઠ્યું છે. ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં થયેલી જૂથ અથડામણમાં એકસાથે ત્રણ વ્યક્તિઓની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચોઃ પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ બાદ લાભ પાંચમે ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર કરે તેવી શક્યતા
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, મધરાતની આ અથડામણમાં એક પક્ષના બે સગા ભાઈઓની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ છે. જેની ઓળખ 45 વર્ષીય સુરેશ પરમાર અને 40 વર્ષીય વશરામ પરમાર તરીકે થઈ છે. એટલું જ નહીં, સામા પક્ષે હુમલો કરનાર યુવક અરુણ બારોટની પણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ હિંસક ઘટનામાં અન્ય લોકોને પણ ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
‘દારૂનું દૂષણ દૂર કરો’: મૃતક ભાઈઓના પિતાની માગ
મૃતક બંને ભાઈઓના પિતા વશરામભાઈએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, ‘મારા બંને દીકરાઓ મજૂરી કામ કરીને રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે 10:30 થી 11:00 વાગ્યાની આસપાસ તેમનું વાહન અથડાયું હશે, જે બાબતે જોઈને ચલાવવા કહેતા બોલાચાલી થઈ હતી. સામેવાળા લુખ્ખા તત્ત્વોએ મારા બંને દીકરા, તેમના દીકરા અને મારી પુત્રવધૂ ઉપર છરીઓ ઉગામી, જેમાં આજે મારા બંને દીકરાના મોત થયા છે.’
આ પણ વાંચોઃ લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા
વશરામભાઈએ વિસ્તારમાં દારૂનું દૂષણ હોવાનો આક્ષેપ કરતા માગ કરી કે, ‘અમારા વિસ્તારમાં દારૂનું દૂષણ છે તે દૂર કરવામાં આવે. લુખ્ખા તત્ત્વો આવી રીતે દારૂ પીને લૂખ્ખાગીરી કરતા હોય છે.’
બનાવની જાણ થતાં જ DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સહિત માલવિયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયા હતા. માલવિયાનગર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યાની કલમ હેઠળ બંને પક્ષો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે.










