![]()
– ટેરીફના માર બાદ મંદીએ આટ વાળ્યો
– પાંચમ અને અગ્યારસના મુહુર્તમાં બંધ થયેલ 3000 કારખાનામાંથી 50 ટકા ખુલ્યા- બજારનું વોલ્યુમ 20 ટકા માંડ ચાલે છે
ભાવનગર : હિરાઉદ્યોગ છેલ્લા લાંબા સમયથી મંદિનો માર સહનકરી રહ્યો છે અને જિલ્લામાં આવેલ નાના મોટી ૩૦૦૦ યુનીટ પૈકી – ટેરીફનો ઝટકો આવતા ૫૦૦યુનિટ બંધ થયા હતા. જ્યારે બાકી બચેલા ૨૫૦૦ યુનિટ પૈકી હાલ દિવાળી બાદ પણ માત્ર ૧૫૦૦ યુનિટ હાલ માંડ શરૂ થયા છે. જ્યારે સી.બી.ડી. ડાયમન્ડનું ચલણ વધતા ઓફીસોના એસોટીંગ સ્ટાફ પણ નવરો ધુપ બન્યો છે. જ્યારે વોલ્યુમની વાત કરીએ તો હાલ માત્ર ૨૦ ટકા વોલ્યુમ ભાવનગરમાં જોવા મળી રહ્યું છે.
ભાવનગરતી કાચોમાલ તૈયાર કરી ૮૦ ટકા હિરાનો માલ એક્સપોર્ટ થતો પરંતુ ટેરીફના મારથી દુષ્કાળમાં અધિક માસ જેવો માહોલ સર્જાયો હતો. અમેરિકા દ્વારા ૧૦૦ ટકા ટેરીફ નાખતા અન્ય જિલ્લાની સાથો સાથ ભાવનગર જિલ્લાના હિરા ઉદ્યોગને પણ માર સહન કરવો પડયો હતો. અન્યથા પણ ટેરીફ પહેલા ૩૦૦ કારખાના બંધ થયા હતા જ્યારે ટેરીફના કારણે વધુ ૨૦૦ યુનિટને તાળા લાગ્યા હતા. આમ ૩૦૦૦ કુલ યુનિટમાંથી ૫૦૦ યુનિટ બંધ થતાં લાખો રત્ન કલાકારો અન્ય વ્યવસાય કરવા મજબુર બન્યા હતા. જોકે સાતમ આઠમ બાદ માંડ કેટલાક યુનિટને કળ વળી હતી પરંતુ દિવાળી આવતા આ ૨૫૦૦ યુનિટોમાં વેકેશન પડાયું હતું. સામાન્ય રીતે પાંચમ અને અગીયારસના મુહુર્તમાં આ હિરા બજાર પુનઃ ધમધમતું થતું હોય છે. પરંતુ દિવાળી બાદ આ બન્ને દિવસો બાદ પણ માંડ ૧૫૦૦ યુનિટ પુનઃ શરૂ થયા હોવાનું જણાયું છે અને આગામી સમયમાં ક્રમશઃ યુનિટો શરૂ થાય તેવી આશા રત્નકલાકારો સેવી બેઠા છે. પરંતુ ઉજળા સંજોગો જણાતા નથી. હાલ આ મહા મંદિમાં લેતી દેતીનું વોલ્યુમ પણ ઘટી માત્ર ૨૦ ટકા માંડ થયું છે. એટલે કે જે રોજીંદુ ૧૫૦૦થી ૧૫૦ કરોડનું હતું તે હાલ ૨૦થી ૨૫ કરોડ થવા પામ્યું હોવાનું વિશ્વસનિય સુત્રોએ જણાવ્યું હતું. જ્યારે હાલ ઓરીજનલ ડાયમન્ડના સ્થાને કૃત્રીમ હિરાનું ચલણ વધવા પામ્યું છે. જેની અસર પણ કર્મચારીઓ ઉપર પડી છે. આ દિવાળી બાદ હજુ ૧૫૦૦ યુનિટો બંધ રહેવા પામેલ છે.
રીયલ ડાયમંડનું સ્થાન કૃત્રિમ હિરાએ લેતા વોલ્યુમ ઘટયું
હિરા ઉદ્યોગમાં પહેલેથી મંદી, ટેરીફનો માર અને દિવાળી બાદ મોંઘવારીએ માઝા મુકતા ભાવનગર જિલ્લાનાં ૧૫૦૦ યુનિટો હજુ પણ બંધ રહેવા પામ્યા છે. જોકે આટલી મુશ્કેલી બાદ ધીમી પણ મક્કમ ગતિએ સીવીડી ડાયમંડ એટલે કે કૃત્રિમ હિરાનું ચલણ વધી રહ્યું છે. જેને પોલીશીંગ સહિતની પ્રક્રિયા કરાઈ છે. પરંતુ એસોટીંગ પ્રશ્ન રહેતો નથી જેથી ઓફીસમાં એસોટીંગ સ્ટાફ ઉપર પણ કાતર ફરી રહી છે અને દાડે દિવસે લોકો બેકાર બની રહ્યા છે. જ્યારે આ કૃત્રિમ ડાયમંડની કોષ્ટ પણ ઘણી જ નીચી ૨૦ કે ૨૫ રૂપિયાની હોય બજારમાં વોલ્યુમનો જબર ઘટાડો જોવા મળે છે. આમ અનેક અવનવા મારથી ડાયમંડ ઉદ્યોગની કમર ધીમે ધીમે ભાંગતી જાય ચે ત્યારે આ અંગે એક્સપોર્ટ સહિતની વિવિધ વિકાસ લક્ષી યોજના લાવવી જરૂરી બની છે.










