![]()
વડોદરા : વડોદરામાં રહેતી ૧૪ વર્ષની સગીરાને પ્રમજાળમાં ફસાવી તેને ભગાડી
જઇ તેની સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીને કસુરવાર ઠેરવી
અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી, તેમજ સગીરાને વળતર પેટે રૃા૬ લાખ ચૂકવવાનો પણ
આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આવા
ગંભીર ગુનાઓમાં સમાજમાં કડક સંદેશ જવો જરૃરી છે.
કેસની વિગત એવી છે કે, તા. ૩૦ મે ૨૦૨૫ના રોજ જ્યારે સગીરાના પિતા વતન
ગયા હતા અને સગીરા તેના સબંધીના ઘરે એકલી હતી ત્યારે આ તકનો લાભ ઉઠાવી આરોપી મંગુ
ઉર્ફે ગોવિંદ રમસુભાઈ નીસરતાએ તેને ગોધરા બોલાવી હતી. સગીરા જ્યારે ગોધરા પહોંચી
ત્યારે આરોપી મંગુ અને તેનો સાથીદાર અજમ ઉર્ફે આદમ રસલાભાઈ નીસરતા તેને લેવા માટે
આવ્યા હતા.
આરોપીઓ સગીરાને મોટરસાયકલ પર બેસાડી લીમખેડાની એક પ્રાથમિક
શાળામાં લઈ ગયા હતા. ત્યાં મુખ્ય આરોપી મંગુએ લગ્નની લાલચ આપી સગીરા સાથે તેની
મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આરોપી અજમની મદદગારીથી અજમના
સબંધીના ઘરે લઈ જવામાં આવી હતી, જ્યાં ચાર-પાંચ દિવસ સુધી રાખીને ફરીથી સગીરા
પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બજી તરફ દીકરી ગુમ થતા પિતાએ વડોદરામાં હરણી
પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગેનો
કેસ અદાલતમાં ચાલી જતાં તેમાં સરકારી વકીલ એચ.આર.જોષી હાજર રહ્યાં હતા અને મુખ્ય
આરોપી મંગુએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું પુરવાર થયું હતું, જ્યારે
અજમે તેને આશરો આપી અને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાં મદદગારી કરી હતી. ટ્રાયલ
દરમિયાન ભોગ બનનારે ઉલટ તપાસમાં મરજીથી ગઈ હોવાનું જણાવ્યું હોવા છતા, અદાલતે નોંધ્યું હતું કે સગીર વયની બાળકીની સંમતિ કાયદાની દ્રષ્ટિએ માન્ય
નથી.










