![]()
– દિલ્હી પોલીસનું પાંચ રાજ્યોમાં થ્રિલર વેબસીરિઝ સ્ટાઈલથી ઓપરેશન
– પાકિસ્તાનમાંથી આતંકી હુમલાનું કાવતરું ઘડાતું હતું : ખિલાફત ઝોન જાહેર કરવા જમીન ખરીદવાનું આયોજન ચાલતું હતું
નવી દિલ્હી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદીઓને ઝડપી લેવા માટે દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં કાર્યવાહી કરી હતી. દિલ્હી, મુંબઈ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને તેલંગણામાંથી પોલીસે કુલ ૧૧ની અટકાયત બાદ પૂછપરછ કરી હતી. એમાંથી પાંચની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. તે સિવાયના તમામ શંકાસ્પદોની સઘન પૂછપરછ થઈ રહી છે. દેશમાં મોટા આતંકી હુમલાનું કાવતરું ઘડનારા આ આતંકવાદીઓને પાકિસ્તાનમાંથી ચાલતા સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આદેશો મળતા હતા. આ આતંકવાદીઓ સોશિયલ મીડિયાથી સંપર્કમાં રહેતા હતા.
પાકિસ્તાનમાંથી ચાલતા સોશિયલ મીડિયાના માધ્યમથી રાંચીના અશર દાનિશ ઉર્ફે અશરાર કુરેશીને આદેશ મળતો હતો. અંગ્રેજી મિડિયમમાં ભણેલો દાનિશ સીઈઓ, પ્રોફેસર, ગઝબાના કોડનેમથી ઓળખાતો હતો. દિલ્હી પોલીસે રાંચીથી તેની ધરપકડ કરી હતી. તે સિવાય આફતાબ કુરેશી, સુફિયાન અબુબકર મુંબઈથી ઝડપાયા હતા. મોહમ્મદ હુઝૈફા તેલંગણાથી પકડાયો હતો. કામરાન કુરેશી મધ્યપ્રદેશથી ઝડપાયો હતો. તે સિવાયના શંકાસ્પદો દિલ્હીમાઁથી પકડાયા હતા. દિલ્હીમાંથી ભાગવાની ફિરાક કરી રહેલા બે શંકાસ્પદોને તો પોલીસે નાટકીય ઢબે છેલ્લી ઘડીએ પકડી લીધા હતા. દિલ્હી પોલીસ હજુય દરોડા પાડીને શંકમંદોને પકડવાની કવાયત કરે છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનના કોઈ મોટા આતંકવાદી જૂથ સાથે સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે. તેમને ફંડ ક્યાંથી અને કેવી રીતે મળતું હતું તેની પૂછપરછ ચાલી રહી છે. માસ્ટર માઈન્ડ દાનિશ આતંકી સંગઠન ગઝવા-એ-હિંદ માટે મુસ્લિમ યુવાનોને જેહાદી બનાવવા ઉશ્કેરતો હતો.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એડિશ્નલ કમિશ્નર પ્રમોદ કુશવાહે જણાવ્યું હતું કે આ આતંકવાદીઓ પર પોલીસની છ મહિનાથી નજર હતી. દિલ્હીમાં જે સ્થળે એનો અડ્ડો હતો ત્યાંથી વિસ્ફોટક સામગ્રી, હથિયારો બનાવવાની ડિઝાઈન, કટ્ટર વિચારધારાને ફેલાવવા માટેની લેખન સામગ્રી વગેરે મળી આવ્યું હતું. પાકિસ્તાનમાંથી ચાલતા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સમાંથી આ આતંકવાદીઓને બોમ્બ બનાવવાનું માર્ગદર્શન મળ્યું હતું. મુંબઈમાં જ્યાં આ આતંકવાદીઓ રહેતા હતા ત્યાંથી પણ હથિયાર અને બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો છે. પોલીસને દરોડા દરમિયાન સલ્ફર પાવડર, સોડિયમ બિકાર્બોનેટ, બોલ બેરિંગ્સ, ગેસ માસ્ક સહિતની સામગ્રી મળી આવી છે.
આ આતંકવાદીઓ જમીન ખરીદવા માટે ફંડ એકઠું કરવાની કોશિશમાં હતા. જમીન ખરીદીને તેને ખિલાફત ઝોન જાહેર કરવાનું ષડયંત્ર હતું. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે આ આતંકવાદીઓ દિલ્હી-એનસીઆરમાં મોટા હુમલાની ફિરાકમાં હતા.










