![]()
ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર
કઠવાડાથી સમાજના કાર્યક્રમમાં આવવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના બની
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ગઈકાલે
બપોરના સમયે સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા કઠવાડાના વૃદ્ધ દંપતિનું
મોપેડ સ્લીપ ખાઈ જતા પતિને ઈજાઓ પહોંચી હતી જ્યારે ગંભીર રીતે ઘાયલ વૃદ્ધ પત્નીનું
મોત થયું હતું. જે અંગે હાલ ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ધણપ પાસે ગઈકાલે વધુ
એક અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સુત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે અમદાવાદના કઠવાડા ખાતે શિવ ગણેશ રેસીડેન્સીમાં રહેતા કમલેશભાઈ
ઈશ્વરભાઈ મિી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે તેમના સમાજનો ઇનામ વિતરણ કાર્યક્રમ ધણપ પાસે આવેલી
હોટલમાં રાખવામાં આવ્યો હતો. જેના કારણે તેમના પિતા ઈશ્વરભાઈ સોમાભાઈ મિી અને
તેમની માતા કૈલાશબેન મોપેડ ઉપર આ કાર્યક્રમ સ્થળે જવા માટે નીકળ્યા હતા ત્યારબાદ
તેઓ, તેમની
પત્ની તેમજ અન્ય સગા કાર લઈને આ સ્થળે આવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ
રસ્તામાં પહોંચ્યા ત્યારે તેમના કુટુંબી ભાઈ સંજયભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી
કે, તેમના
માતા-પિતાને ધણપ પાસે અકસ્માત સર્જાયો છે અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર
માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેથી તેઓ તાબડતોડ ગાંધીનગર
સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને જ્યાં જાણવા મળ્યું હતું કે, શરીરે ગંભીર
ઈજાને કારણે તેમની માતાનું મોત થયું છે. જ્યારે પિતાને ઈજાઓ પહોંચી છે. મોપેડ
સ્લીપ થઈ જવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે
ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.










