![]()
– શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
– બંધ રહેણાક મકાનમાં આગ લાગતા ઘર વખરી સહિતનો માલ સામાન બળીને ખાક
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ બંધ રહેણાક મકાનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નહી થતા દુર્ઘટના ટળી હતી પરંતુ મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું.
ધ્રાંગધ્રા શહેરના દરજી સમાજની વાડી પાસે છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલા રહેણાંક મકાનમાં વહેલી સવારે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગણતરીની મિનિટોમાં આગ બંધ મકાનમાં રહેલા વર્ષો જુના લાકડાના બાંધકામમાં પ્રસરી જતા સમગ્ર ઘરમાં આગ લાગી હતી અને થોડા જ સમયમાં સંપૂર્ણ મકાનનું બાંધકામ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકશાન પહોંચ્યું હતુ. આ બનાવની જાણ થતા આસપાસના લોકો સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ અંગે પાલિકાના ફાયર ફાયટર ટીમને જાણ કરતા ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને અંદાજે દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મકાન બંધ રહેતું હોવાથી કોઈ જાનહાનિનો બનાવ નહી બનતા દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે પરંતુ આગ લાગવાનું સાચું કારણ વધુ તપાસ બાદ જ માલૂમ પડશે.










