![]()
– તહેવારો ટાણે ફૂડ સેફ્ટી વિભાગનું સઘન ચેકિંગ
– ખાદ્ય ચીજોના 16 નમૂના લેવાયા : બીનઆરોગ્યપ્રદ ખોરાક, પાણીપૂરીનું 5 લિટર પાણીનો નાશ : સ્વચ્છતા જાળવવા તંત્રની સૂચના
નડિયાદ : નડિયાદમાં તહેવારો ટાણે ફૂડ સેફ્ટી વિભાગના ચેકિંગમાં ૩ દિવસમાં ૧૪ કિલો વાસી ખોરાક અને પાણીપૂરીના પાંચ લિટર પાણીનો નાશ કરાયો હતો. તંત્રએ ખાણી-પીણીના વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા માટે તાલીમ કરી છે.
નડિયાદમાં તહેવારોની સિઝનમાં લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળે તે હેતુથી ખાદ્ય સુરક્ષા વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તા. ૨૬મીએ નડિયાદના મુખ્ય વિસ્તારો જેવા કે કોલેજ રોડ, કેનાલ રોડ, ફૂડ ઝોન અને આંબા આશ્રમની આસપાસ ૧૭ ખાણી-પીણીની લારી-ગલ્લા પર તપાસ કરવામાં આવી હતી. ચેકિંગમાં ૧૬ નમૂના લેવાયા હતા. તમામ સ્થળે હાઇજેનિક શરતોનું પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
સ્થળ પર ૫ લિટર જેટલું પાણીપૂરીનું પાણી બિનઆરોગ્યપ્રદ જણાતા નાશ કરાયું હતું. તા. ૨૪થી ૨૬મી દરમિયાન ગરબા આયોજન સ્થળો પર ખાસ ટીમ દ્વારા ૩૮ સ્થળોનું નિરીક્ષણ કરી ૧૨ નવા ફૂડ સ્ટોલને રજિસ્ટ્રેશન અપાયું હતું. ખાદ્ય પદાર્થની ગુણવત્તા ચકાસવા ૧૪ ટીપીસી ટેસ્ટ, ૪ કોલ્ડડ્રિન્કસ, ૩ મીઠાના નમૂના સહિત ૪૨ ટેસ્ટિંગ કરાયા હતા. તા. ૨૬મીએ ગરબા મહોત્સવના સ્થળેથી ૯ લિટર તેલ, પાંચ કિલો લાલ ચટણી સહિત ૧૪ કિલો ખાદ્ય વસ્તુઓ બિનઆરોગ્યપ્રદ જણાતા સ્થળ પર જ નાશ કરાયો હતો. તમામ વેપારીઓને ખાદ્ય વસ્તુને ઢાંકીને રાખવા સહિતની સૂચનાઓ અપાઈ હતી.










