![]()
Earthquake In Navsari: નવસારી જિલ્લામાં આજે (બીજી એપ્રિલ) વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વાંસદા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 5:27 કલાકે ધરા ધ્રૂજતા લોકો નિદ્રામાંથી જાગી ગયા હતા અને ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજી સેન્ટરના જણાવ્યાનુસાર, રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે.
જૂજ ડેમ વિસ્તારમાં વધુ અસર
ભૂકંપના આ આંચકાની સૌથી વધુ અસર વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યાનુસાર, ડેમના કારણે આ પંથકમાં અવારનવાર ભૂસ્તરીય હલચલનો અનુભવ થાય છે. આ પૂર્વે પણ અનેકવાર આ વિસ્તારમાં હળવા આંચકાઓ નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ઇન્ડોનેશિયામાં 7.4 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની ચેતવણી, 3 દેશોના દરિયાકાંઠે મોટું જોખમ
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગુજરાતની સરહદે આવેલા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રમાં થયેલી આ હલચલની સીધી અસર સરહદી એવા વાંસદા તાલુકાના ગામડાઓમાં જોવા મળી હતી. વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક આવેલા આંચકાથી અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. કોઈ મોટા માલ-મિલકતના નુકસાનના અહેવાલ પણ પ્રાપ્ત થયા નથી.









