Navi Mumbai International Airport : દેશની આર્થિક રાજધાની મુંબઈને એક ભવ્ય અને અત્યાધુનિક એરપોર્ટ મળવાનું છે. આઠમી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ (NMIA) નું લોકાર્પણ કરશે, જે ભારતનું સૌથી અત્યાધુનિક અને ઈકો ફ્રેન્ડ્લી એરપોર્ટ બની જશે. આ એરપોર્ટ પર મુસાફરોને મેટ્રો સ્ટેશન પરથી જ સીધા ચેક-ઇન, વન-અપ અને ટુ-વે બેગેજ સુવિધા જેવી અનોખી સુવિધા મળશે.
ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય
આ એરપોર્ટના નિર્માણ દરમિયાન પર્યાવરણ સંરક્ષણને ખાસ મહત્ત્વ અપાયું છે. તે સ્વચ્છ ઊર્જા અને જળ સંરક્ષણના ઉપાયોથી સંપન્ન છે. આ એરપોર્ટ પરના ટર્મિનલની રચના કમળના ફૂલથી પ્રેરિત છે, જે ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરે છે. કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ પણ કરાશે.
આ એરપોર્ટ કેટલું મોટું છે?
આ એરપોર્ટ 1160 હેક્ટર જમીન પર આકાર પામ્યું છે. તે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ પર કાર્યરત થશે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ આ પ્રોજેક્ટમાં 74% હિસ્સો ધરાવે છે, જ્યારે સિડકો 26% હિસ્સો ધરાવે છે.
₹19,600 કરોડનો નિર્માણખર્ચ
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹19,600 કરોડ જેટલો છે, જેમાં CIDCO દ્વારા જમીન વિકાસ માટે ₹3,500 કરોડનું રોકાણ પણ સામેલ છે. આ એરપોર્ટ મુંબઈ મહાનગરીય પ્રદેશની હવાઈ પરિવહન ક્ષમતાને બમણી કરી નાખશે.

મહત્તમ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે
આ એરપોર્ટની બાંધકામ યોજના અત્યંત વ્યાપક છે. તેનો પહેલો રનવે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે, જ્યારે બીજાનું નિર્માણ આગામી ચાર વર્ષમાં પૂર્ણ થવાનું છે. બંને રનવે સ્વતંત્ર ટેક્સી-વે અને 350 વિમાનોને એક સાથે રાખવાની પાર્કિંગ સુવિધાથી સજ્જ હશે. કનેક્ટિવિટી વધારવા માટે અટલ સેતુથી કોસ્ટલ રોડ સુધી એક નવા માર્ગનું નિર્માણ ચાલુ છે, મેટ્રો લાઇનને ટૂંક સમયમાં મંજૂરી મળવાની અપેક્ષા છે અને વોટર ટેક્સી સેવા પણ શરૂ કરવાની યોજના છે.
કોંક્રિટનું નહીં, કઠોર પરિશ્રમનું પરિણામ
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આ એરપોર્ટને તેના નિર્માતાઓને સમર્પિત કર્યું છે. તેમના પુત્ર જીત અદાણીએ જણાવ્યું કે આ બાંધકામ માત્ર કોંક્રિટનું નહીં, પરંતુ કઠોર પરિશ્રમનું પરિણામ છે.

દુબઈ-સિંગાપોરના વર્લ્ડ ક્લાસ એરપોર્ટ જેવી સુવિધા
આ એરપોર્ટ મુસાફરીના અનુભવને એક નવું સ્તર પ્રદાન કરશે. આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે મુસાફરો તેમની પહેલી ફ્લાઇટમાં જ એરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયર કરી શકશે, જે દુબઈ અને સિંગાપોર જેવા વર્લ્ડ ક્લાસ એરપોર્ટ પર અપાતી સુવિધાઓને સમકક્ષ છે. અમદાવાદ, સુરત જેવા શહેરોથી આવતા મુસાફરો સીધા જ અહીં ઇમિગ્રેશન પૂર્ણ કરીને તેમની કનેક્ટિંગ ફ્લાઇટ પકડી શકશે.
મુંબઈની ઉડ્ડયન ક્ષમતામાં વધારો
મુંબઈમાં પહેલેથી જ એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) કાર્યરત હોવાથી હવે NMIAને લીધે મુંબઈને ‘ડ્યુઅલ એરપોર્ટ સિસ્ટમ’ નો લાભ મળશે, જે એને ભારતનું મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વાર બનાવશે. NMIA ટાયર-II અને ટાયર-III શહેરોને વૈશ્વિક નેટવર્ક સાથે અસરકારક રીતે જોડશે. તેને લીધે CSMIA પરનું દબાણ નોંધપાત્ર રીતે ઘટશે, કેમ કે હાલમાં CSMIA પર વિમાનોને ઉતરવા માટે રાહ જોવી પડે છે.

વાર્ષિક 9 કરોડ મુસાફરોનું આવાગમન
અહીં શરૂઆતમાં વાર્ષિક 2 કરોડ મુસાફરોનો ધસારો રહેવાનો અંદાજ છે, અને કાર્ગો ક્ષમતા વાર્ષિક 5 લાખ ટનની હશે, પરંતુ બાંધકામ સંપૂર્ણ થશે ત્યારે આ એરપોર્ટ વાર્ષિક 9 કરોડ મુસાફરો અને 32 લાખ ટન કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે. આ ક્ષમતાને કારણે તે એશિયાના સૌથી મોટા ઉડ્ડયન કેન્દ્રોમાંનું એક બનશે અને મુંબઈને લંડન, ન્યૂ યોર્ક જેવા શહેરોની પંક્તિમાં ઊભું કરી દેશે.
લાખો લોકોને રોજગારી મળશે
આ પ્રોજેક્ટથી ઉડ્ડયન, લોજિસ્ટિક્સ, IT અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં 2 લાખથી વધુ રોજગારીનું સર્જન થવાનું અનુમાન છે.

એરપોર્ટનું નામકરણ એક ખેડૂતના નામ પરથી થશે
એરપોર્ટનું નામ સ્થાનિક ખેડૂત નેતા અને જાણીતા સામાજિક કાર્યકર સ્વર્ગીય દિનકર બાલુ (ડી.બી.) પાટીલના નામ પરથી રખાશે. નવી મુંબઈના વિકાસ માટે જેમની જમીન સંપાદિત કરાઈ હતી તેવા પરિવારો માટે પુનર્વસન અને વળતરની વાટાઘાટો જેવા મુદ્દે ડી.બી. પાટીલે ખૂબ શ્રમ લીધો હોવાથી આ એરપોર્ટનું નામ તેમના નામ પરથી રખાશે.










