Punjab Local Body Election Result: પંજાબમાં 14 ડિસેમ્બરે યોજાયેલી 22 જિલ્લા પરિષદ અને 153 પંચાયત સમિતિઓની ચૂંટણીની મતગણતરી બુધવારથી શરૂ થઈ હતી, જે ગુરુવારે પણ ચાલુ છે. અત્યાર સુધીના પરિણામોમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટીએ વિપક્ષોનો સફાયો કરીને ભવ્ય જીત મેળવી છે.
ચૂંટણી પરિણામોના આંકડા
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી આમ આદમી પાર્ટીએએકપક્ષીય પ્રભુત્વ જમાવ્યું છે. જિલ્લા પરિષદની કુલ 346 બેઠકોમાંથી ‘આપ’ 145 બેઠકો પર વિજયી બની છે, જ્યારે તેની સામે કોંગ્રેસને 30, શિરોમણી અકાલી દળને 26 અને અન્યને 10 બેઠકો મળી છે, જ્યારે ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી.
બીજી તરફ, પંચાયત સમિતિની કુલ 2838 બેઠકો પર પણ ‘આપ’નો દબદબો જોવા મળ્યો છે, જેમાં 9 વાગ્યા સુધીના આંકડા અનુસાર પાર્ટીએ 892 બેઠકો પર જીત મેળવી છે અને 339 બેઠકો પર તેના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ યાદીમાં કોંગ્રેસ 419 બેઠકો સાથે બીજા ક્રમે, શિરોમણી અકાલી દળ 253 બેઠકો સાથે ત્રીજા ક્રમે, જ્યારે ભાજપ 49 અને અન્ય પક્ષો 132 બેઠકો પર વિજયી થયા છે.
આ સરકારના કામનું ઈનામ છે- કેજરીવાલ
પાર્ટીની ભવ્ય જીત પર પ્રતિસાદ આપતા ‘આપ’ સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘પંજાબના લોકોએ સરકારના કામ પર મહોર મારી છે. અમે કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો નથી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાઈ છે.’
આ પણ વાંચો: ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ લોકસભામાં પાસ, ગૃહમાં બિલની કોપી ફાડી નાખી હતી
વિપક્ષના ધાંધલીના આક્ષેપો
ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વિપક્ષોનું કહેવું છે કે સરકારે જાણીજોઈને તેમના ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા હતા અને મતદાનના દિવસે ખુલ્લેઆમ ધાંધલી કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી પંચ અને સરકાર આ દાવાઓને નકારી રહ્યા છે.











