![]()
વડોદરા, તા.23 પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી ઘઉં, ચોખા તેમજ ચણાનો જથ્થો વગે કરવાનું કૌભાંડ કરજણ પોલીસે ઝડપી પાડયું છે. ગોડાઉનમાંથી સરકારી જથ્થો ભરીને વેપારીઓને પહોંચાડવા જતો એક ટેમ્પો ઝડપી પાડી ડ્રાઇવરની અટક કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણના જૂનાબજાર વિસ્તારમાં નેશનલ હાઇવે પર શિવવાડી મંદિરની પાછળ નર્મદા કેનાલના કાચા રસ્તા પર આઇસર ગાડીમાં બિલ વગરનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવા પસાર થાય છે તેવી માહિતીના આધારે કરજણ પોલીસે ગઈ રાત્રે વોચ ગોઠવી હતી. દરમિયાન જીજે ૮ પાસિંગની એક આઇસર ગાડી આવતા તેને રોકી ડ્રાઇવર કાનાભાઇ કાળુભાઇ મીર (રહે.જૂનાબજાર, કરજણ)ની પૂછપરછ કરતાં તેણે ગાડીમાં ઘઉ અને ચોખાનો જથ્થો ભર્યો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે તેની પાસેથી બિલની માંગણી કરતા તેની પાસે ન હતું તેમજ પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ભરીને છૂટક અલગ અલગ વેપારીઓને મળી વેચાણ આપવાનો હોવાનું જણાવ્યું હતું. આઇસર ગાડીમાં તપાસ કરતા ચોખાના ૫૦ કિલોના ૧૨૦ કટ્ટા, ઘઉના ૫૦ કિલોના ૬૦ કટ્ટા અને ચણાના ૫૦ કિલોના ૫ કટ્ટા મળી કુલ રૃા.૨.૩૮ લાખ કિંમતનો સરકારી અનાજનો જથ્થો હતો. પોલીસે ગાડી, મોબાઇલ અને સરકારી અનાજનો જથ્થો મળી કુલ રૃા.૭.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાદરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી જથ્થો કોણે વગે કર્યો તેમજ ક્યાં ક્યાં વેપારીઓને ગેરકાયદે પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રેશનિંગ દુકાનમાં જથ્થો પહોંચવાના બદલે બારોબાર વગે કરાતો હોવાની વિગતો જાણવા મળી છે.










