અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવોમાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. પીરાણા પાસે પતિ-પત્ની બાઇક પર બેસીને પસાર થતા હતા. આ સમયે અચાનક ગાય આવતા બચાવવા માટે બ્રેક મારતાં પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારતાં દંપતિ રોડ ઉપર પડયા હતા જ્યાં પત્નીના બન્ને પગ ઉપર ટાયર ફરી વળતાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે નાસી છૂટનારા ડમ્પર ચાલક સામે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
દંપતિ વિરમગામમાં મંદિરે દર્શન કરીને આવતા હતા, બાઇકને ટક્કર મારતા ડમ્પરના ટાયર નીચે મહિલાના બન્ને પગ કચડાતાં સારવાર દરમિયાન મોત
વટવામાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૯ ના રોજ યુવક અને તેમના પત્ની બાઇક લઇને વિરમગામ ખાતે માતાજીના મંદિર દર્શન કરીને પરત આવતા હતા જ્યાં સાંજના સમયે કમોડથી અસલાલી તરફ જવાના રોડ ઉપર પીરાણા ગેટ પાસેથી પસાર થતા હતા.
આ સમયે રસ્તામાં ગાય આવી જતાં ગાયને બચાવવા માટે બ્રેક મારતાં પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારતા પતિ-પત્ની રોડ ઉપર પટકાયા હતા જ્યાં પત્નીના બન્ને પગ ઉપર ટાયર ફરી વળતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા લઇ જવામાંક આવ્યા હતા. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતુું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે નાસી છૂટનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.










