![]()
વડોદરા, તા.10 વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી કુલ દોઢ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાવલી રોડ પરથી રેતી અને બ્લેક ટ્રેપ ભરીને જતા બે ડમ્પરોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતીખનન થાય છે તેવી માહિતીના આધારે જિલ્લા ખાણખનિજખાતાના સ્ટાફ દ્વારા ગઇ રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. ઓરસંગ નદીમાં એસ્કેવેટર મૂકીને નદીમાંથી રેતી ઉલેચવામાં આવતી હોવાનું જણાયું હતું જેથી ગેરકાયદે રેતીખનનનો પર્દાફાશ થયો હતો. સ્થળ પર તપાસ કરતાં ડભોઇ તાલુકાના શનોર ગામમાં રહેતા નારણ ફુલાભાઇ રબારી દ્વારા આ રેતીખનન ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું.
ઓરસંગ નદીમાંથી એક એસ્કેવેટર તેમજ પાંચ ડમ્પર મળી આશરે કુલ રૃા.૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને રેતીખનન કરનાર નારણ રબારીને મોટો દંડ કરવા નોટિસ ઇસ્યૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
દરમિયાન સાવલીરોડ પર પણ તપાસ હાથ ધરતા રેતી ભરીને જતા બે ડમ્પરો મળ્યા હતાં. આ ડમ્પરો પાસે રેતીનો રોયલ્ટીપાસ માંગતા મળ્યો ન હતો જેથી ગેરકાયદે રેતી ઉલેચીને લાવ્યા હોવાનું જણાતા રેતી ભરેલા બંને ડમ્પરો કબજે કરવામાં આવ્યા હતાં. જ્યારે આ રોડ પરથી ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરીને જતું એક ડમ્પર પણ કબજે કરાયું હતું. કુલ રૃા.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










