![]()
અમદાવાદ
ગ્રામ્ય પંથક પ્રદૂષણ માફિયાઓનું એપી સેન્ટર બન્યું
તીવ્ર
દુર્ગંધથી વાહનચાલકોના શ્વાસ રૃંધાયા ઃ પશુધન અને માનવ જિંદગી જોખમમાં છતાં
જીપીસીબીની ઘોર નિદ્રા
બગોદરા –
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના અંધકારનો લાભ
લઈ કેમિકલયુક્ત પાવડર કે પ્રવાહી ફેંકવાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં
બગોદરાથી શિયાળ જવાના મુખ્ય માર્ગ પર અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલનો મોટો જથ્થો
જાહેર રસ્તા પર જ ફેંકી દેવામાં આવતા સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા
છે.
હાઈવે
પર પડેલા આ કેમિકલને કારણે વાતાવરણમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી પસાર થતા
વાહનચાલકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે.
સૌથી
વધુ ચિંતાજનક બાબત એ છે કે આસપાસના વિસ્તારમાં પશુધનની મોટી સંખ્યા છે. જો કોઈ અબોલ
પશુ આ ઝેરી કેમિકલના સંપર્કમાં આવે તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનો
આક્ષેપ છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને સ્થાનિક પ્રશાસનની ઢીલી નીતિને
કારણે જ આવા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. ગ્રામજનોની માંગ છે કે સીસીટીવી ફૂટેજ
તપાસી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રસ્તા પર પડેલા આ જોખમી
જથ્થાનો તાત્કાલિક સુરક્ષિત નિકાલ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે
ક્યારે જાગે છે.










