![]()
મોબાઇલ નેટવર્કની સુવિધા ન હોવાથી : આજે EVM તથા ચૂંટણી સામગ્રીનું સ્ટાફને વિતરણ
પોરબંદર, : પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આયોજનને આખરી ઓપ તંત્ર દ્વારા અપાયો છે. જિલ્લામાં 143114 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાણાવાવના બરડા ડુંગર જેવા અંતરિયાળ ફોરેસ્ટ વિસ્તારોમાં જ્યાં મોબાઇલ નેટવર્કની સુવિધા નથી ત્યાં ચૂંટણીલક્ષી સંદેશાવ્યવહાર માટે વાયરલેસ સેટ અને વોકી-ટોકીનો ઉપયોગ કરવામાં આવશે.
પોરબંદર જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પોરબંદર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એસ.ડી.ધાનાણીએ જણાવ્યું હતું કે, પોરબંદર મહાનગરપાલિકાની ૫૨ બેઠકો પૈકી 11 બેઠકો બિનહરીફ જાહેર થતાં હવે 41 બેઠકો પર 106 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે, જેના માટે 1,43,114 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતા 16 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તાલુકા પંચાયતોમાં પણ પોરબંદરની 18 બેઠકો, રાણાવાવની 14 બેઠકો અને કુતિયાણાની 15 બેઠકો માટે ચૂંટણી યોજાશે. વધુમાં, રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની વોર્ડ નં 6ની ખાલી બેઠકો માટેની પેટા ચૂંટણી પણ આ જ દિવસે યોજવામાં આવશે.
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા જળવાઇ રહે તે માટે 25 એપ્રિલના રોજ વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઇવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના ભંગ બદલ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને રાણાવાવ બરડા ડુંગર જેવા અંતરિયાળ ફોરેસ્ટ વિસ્તારોમાં જ્યાં મોબાઇલ નેટવર્કની સુવિધા નથી, ત્યાં ચૂંટણીલક્ષી સંદેશાવ્યવહાર માટે વાયરલેસ સેટ અને વોકી-ટોકીનો ઉપયોગ કરવામાં આવશે. 26મીએ મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નિયત રીસીવીંગ સેન્ટરો પર લાવી 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે.










