![]()
બાપોદ તળાવ સામે આવેલ વ્રજરજ કોમ્પ્લેક્ષમાં રહેણાંક મકાનો કોમર્શિયલમાં ફેરવાઈ જતા અનેક સમસ્યાઓથી ત્રસ્ત રહીશોએ અનેક વખત બાંધકામ ગેરકાયદેસર હોવાના પુરાવા આપ્યા બાદ પણ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર ન કરાતા રહીશોએ કોર્પોરેશનના અધિકારીઓ અને દબાણકર્તા વચ્ચે સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા.
રહીશોનું કહેવું છે કે, રેસીડેન્શિયલ ઝોન માટે આ કોમ્પ્લેક્સના બાંધકામની મંજૂરી છે. જો કે, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ઇમ્પેક્ટ ફીની આડમાં દુકાન, એડવોકેટની ઓફિસ, કેફે હાઉસ, ક્લિનિક,ગોડાઉન જેવી કોમર્શિયલ પ્રવૃત્તિઓને છૂટ આપી રહ્યા છે, જે કાયદાનું ઉલ્લંઘન છે. અનેક વખત ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરે દબાણકર્તાઓને નોટિસ પાઠવી રહેણાંક મકાનનો કોમર્શિયલ ઉપયોગ તાત્કાલિક બંધ કરવા તથા તેની સ્પષ્ટતા કરવા જણાવાયું હતું. પરંતુ આજદિન સુધી તેમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. કોમર્શિયલ ઉપયોગ અંગે રહીશો વર્ષ 2018થી લડત ચલાવી રહ્યા છે. રહીશોએ ફરી અપીલ કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. દુકાન સંચાલક નીતિનભાઈ શાહ (જીએફ – 9), દિપક રાઠોડ (જીએફ – 10, 11), સુજલ શાહ (જીએફ – 15), વજુભાઈ ભરવાડ(જીએફ – 8), ડૉ.રોહિત ભારદ્વાજ (જીએફ – 6,7), ત્રિપદા આયુર્વેદિક (114 ,115) તથા દુકાન નં. ૧ થી ૧૫ના કબજેદાર /માલિકને રહેણાંકની જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ બંધ કરવા અને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા કોર્પોરેશને છેલ્લા આઠ વર્ષમાં અનેક નોટિસ પાઠવી હોવા છતાં નોટિસોની અવગણના કરનાર દબાણકર્તા સામે કોર્પોરેશન આંખ આડા કાન કરી રહ્યું છે. મહત્વનું છે કે, આ મામલે કોર્પોરેશનને ઇમ્પેક્ટ ફીની અરજીઓ પણ રિજેક્ટ કરી હતી.










