![]()
મામૂલી વેતન અને કામના ભારણ સામે આક્રોશ
૬ મહિનાથી શાકભાજી-મસાલાના બિલ બાકી ઃ કૂપોષણ નાબૂદી માટે બહેનોએ ખિસ્સામાંથી ખર્ચ કરવાની નોબત
બગોદરા – ગુજરાતની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઇ બાવળા અને ધોળકા તાલુકામાં આંગણવાડી બહેનોએ રેલી કાઢી મામલતદાર કચેરી અને સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યું હતું.
હડતાળના બીજા બહેનો જણાવ્યું કે માત્ર રૃ.૫,૫૦૦ના વેતનમાં ઘર ચલાવવું મુશ્કેેલ બન્યું છે. છેલ્લા ૬ મહિનાથી મસાલા અને શાકભાજીના બિલની ચુકવણી કરવામાં આવી નથી. સરકાર હજુ પણ વર્ષ ૨૦૧૮ના જૂના ભાવ મુજબ ગ્રાન્ટ ફાળવે છે, જેના કારણે બહેનોએ પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને બાળકોને જમાડવા પડે છે.
કાર્યકરોએ જણાવ્યું કે, બાળકોની દેખરેખ ઉપરાંત તેમની પાસે ૮ પ્રકારની ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે. ૨૦૨૨માં નવા મોબાઈલ આપવાનું વચન હજુ સુધી પૂર્ણ થયું નથી, પરિણામે બહેનોએ પોતાના વ્યક્તિગત મોબાઈલ અને ખાનગી ડેટાનો ઉપયોગ કરીને સરકારી કામગીરી કરવી પડે છે, જે માનસિક તણાવનું કારણ બની રહ્યું છે.
સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે ૧૮થી ૨૦ માર્ચ સુધી તમામ બહેનો રજા પર છે અને આ દરમિયાન નાસ્તો કે દૂધનો પુરવઠો સ્વીકારવામાં આવશે નહીં. જો સરકાર માનદ વેતનમાં સન્માનજનક વધારો અને બિલની ત્વરિત ચુકવણી નહીં કરે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.










