![]()
અમદાવાદ, સોમવાર
લોકો દારૂ કે અન્ય કેફી પીણાને બદલે કફસીરપનો ઉપયોગ નશા માટે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે બાવળા પાસેથી એક કારમાં કફસીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. જે સરખેજથી લઇને બાવળાના એક ગ્રામ્ય વિસ્તારમાં સપ્લાય કરવાનો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી મોટા પ્રમાણમાં કફસીરપનો કારોબાર કરતો હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે પોલીસે કફસીરપનું ઉત્પાદન કરતી ફેક્ટરી અને તેના સપ્લાયર્સ અંગે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસઓજીના સ્ટાફને બાવળા પાસે બે દિવસ પહેલા એક શંકાસ્પદ કારમાંથી આશરે ૩૦૦થી વધારે કફસીરપનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન રામાણી કારચાલક ઇરફાનશા પઠાણની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સરખેજ પાસે આવેલા એક ગોડાઉનથી કફસીરપનો જથ્થો લઇને બાવળાના શિયાળ ગામમાં રહેતા બુટા પઢાર નામના વ્યક્તિને સપ્લાય કરવા જતો હતો. તેને સુરેન્દ્રનગરના દસાડામાં રહેતા સોહીલ નામના વ્યક્તિએ કફસીરપનો જથ્થો આપ્યો હતો.
પોલીસને તેની વધુ પુછપરછ કરતા વિગતો ખુલી હતી કે કફ સીરપનો જથ્થો અમદાવાદ અને સુરેન્દ્રનગરની દવાની ફેક્ટરીમાં બેચ નંબર ઉપરાંતનો જથ્થો તૈયાર કરીને ગેરકાયદે સપ્લાય કરવામાં આવતો હતો. પોલીસ દ્વારા આગામી સમયમાં દવાના ફેક્ટરીઓમાં પણ મોટાપ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવશે.










