![]()
Bihar Political News : બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ તેમના પુત્ર નિશાંત કુમારની સક્રિય રાજકારણમાં પ્રવેશની તૈયારી થઈ ગઈ છે. આ સાથે બિહારમાં પહેલી વખત ભાજપ માટે મુખ્યમંત્રીપદનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીપદ સંભાળે તેવી શક્યતા છે જ્યારે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. નિશાંતના રાજકારણમાં આવવાના હોવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. બિહાર ચૂંટણી પહેલા નિશાંતની રાજકારણમાં એન્ટ્રી થવાની અટકળો પણ ચાલી હતી. હવે સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી પદ સંભાળનાર નીતિશે ગુરુવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ નિશાંતની ચર્ચાઓ ફરી શરૂ થઈ ગઈ છે.
નિશાંતને રાજકારણમાં લાવવાની માંગ
ઉમેદવારી નોંધાવનાર નીતીશ કુમાર (CM Nitish Kumar) મુખ્યમંત્રી પદ છોડી શકે છે, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રીની રેસમાં નિશાંત કુમાર (Nishant Kumar)ના નામની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજકારણમાં નિશાંતની એન્ટ્રી તારીખ પણ લગભગ નક્કી થઈ ગઈ છે. જનતા દળ યુનાઈટેડના નેતાઓ અને ધારાસભ્યોની પટણામાં બેઠક યોજાઈ હતી, જેમાં નિશાંતને રાજકારણમાં લાવવાની માંગ થઈ છે. બેઠક મુદ્દે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ કહ્યું કે, નિશાંત કુમાર રાજકારણમાં આવશે.
નિશાંતની 8મી માર્ચે રાજકારણમાં એન્ટ્રી !
નિશાંત રાજકારણમાં કંઈ તારીખે એન્ટ્રી કરશે, તે અંગે પણ સંજય ઝાએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, નિશાંત કુમાર આઠમી માર્ચે બપોરે 3.00 કલાકે રોજ ઔપચારિક રીતે JDU સભ્યપદ લઈ શકે છે. નીતિશ રાજ્યસભામાં જવાના હોવા નિર્ણયથી પાર્ટીના ધારાસભ્યો નારાજ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં
ચિંતા ન કરો, હું બિહાર આવીશ : નીતિશ
બેઠકમાં નીતિશના રાજ્યસભામાં જવાનો મુદ્દો પણ ઉઠ્યો છે. ધારાસભ્યોએ મુખ્યમંત્રી નીતિશને ફરી વિચાર કરવાની માંગ કરી છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને આશ્વાસન આપ્યું છે કે, ‘હું રાજ્યસભામાં જઈ રહ્યો છું, પરંતુ બિહાર આવીશ જ. ચિંતા ન કરો, તમને લોકોને કોઈપણ પરેશાની નહીં થાય. હું પાર્ટી પર ધ્યાન આપતા રહીશ. આપણે ઘણું કામ કર્યું છે, હું બધાનું ધ્યાન રાખીશ.’
ઉલ્લેખનીય છે કે, બિહારમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદ સંભાળનારા નીતિશ કુમારે ગુરુવારે (5 માર્ચે) રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. આ સાથે બિહારમાં લાલુપ્રસાદ યાદવ પછી હવે બે દાયકા જેટલો લાંબો નીતિશ યુગ પણ ખતમ થયો છે. જદયુ અધ્યક્ષ નીતિશ કુમાર સાથે ભાજપ અધ્યક્ષ નીતિન નબીન અને આરએલએમ પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ ગુરુવારે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરતા બિહારમાં એક જ દિવસે ત્રણ પક્ષપ્રમુખોએ ઉમેદવારી નોંધાવી રેકોર્ડ સર્જ્યો હતો. બિહારમાં બધી જ પાંચ બેઠકો પર એનડીએના ઉમેદવારોએ ફોર્મ ભરવા છતાં વિપક્ષ રાજદના અમરેન્દ્ર ધારી સિંહે પણ ઉમેદવારી ફોર્મ ભરી રાજ્યસભામાં ચૂંટણી યોજાવાનું નિશ્ચિત કર્યું છે.
નીતિશ 2005થી બિહારના મુખ્યમંત્રી
બિહારમાં મુખ્યમંત્રીપદ છોડીને રાજ્યસભામાં જવાની નીતિશ કુમારની જાહેરાત સાથે જ બિહારના રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું છે. મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડના પ્રમુખ નીતિશ કુમારે વર્ષ 2005થી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી છે. ગયા વર્ષે તેઓ વિક્રમી સતત 10મી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે કહ્યું કે, તેમની વિદાય પછી બનનારી નવી સરકારને તેમનો પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન હશે. નીતિશ કુમારે એક્સ પર લખ્યું કે, બે દાયકા કરતાં વધુ સમય સુધી તમે મારામાં વિશ્વાસ મૂક્યો અને મને સાથ આપ્યો તે બદલ આપ સૌનો આભાર. તેમણે ઉમેર્યું કે, તેમના રાજકીય પ્રવાસની શરૂઆતથી જ તેઓ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવા માગતા હતા. મારી આ મહેચ્છા પૂરી કરવા આ વખતે મેં રાજ્યસભાની ચૂંટણીમાં ઝુકાવવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો : બિહાર બાદ યુપીના રાજકારણમાં ગરમાવો! CM યોગી સાથે RSSની અઢી કલાક બંધબારણે બેઠક
16 માર્ચે રાજ્યસભાની ચૂંટણી
બિહારમાં 16 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. બિહારમાં રાજ્યસભામાં એક બેઠક જીતવા 41 ધારાસભ્યોના મતની જરૂર હોય છે. હાલમાં 243 સભ્યોની વિધાનસભામાં એનડીએ પાસે 202 બેઠકો હોવાથી બધી જ પાંચ બેઠકો તેઓ જીતી જાય તેવી શક્યતા છે. બિહારમાં નીતિશ કુમારની રાજ્યસભામાં જવાની જાહેરાતથી જનતા દળ યુનાઈટેડમાં હોબાળો મચી ગયો છે. પટનામાં જદયુની ઓફિસ બહાર કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું અને પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાનો ઘેરાવ કર્યો હતો. વધુમાં નીતિશ કુમારના પૈતૃક ગામ કલ્યાણ બિગહામાં પણ લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, જનતાએ નીતિશ કુમારના ચહેરા પર વોટ આપ્યા હતા.
બિહારમાં નવી સરકાર રચવાની તૈયારીઓ પણ શરૂ
બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની વિદાય નિશ્ચિત થઈ જતા હવે નવી સરકારની રચનાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ ધારાસભ્યોની બેઠક બોલાવાશે. નીતિશ કુમારની વિદાય સાથે જ ભાજપમાં પહેલી વખત બિહારમાં મુખ્યમંત્રીપદ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે. ભાજપમાં વર્તમાન નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ છે. આ સિવાય નિત્યાંનદ રાય અને દિલિપ જયસ્વાલના નામ પણ ચર્ચાઈ રહ્યા છે. ભાજપ સંગઠન અને રાજ્યના રાજકારણમાં આ ત્રણેય નેતાઓનો પ્રભાવ મહત્વપૂર્ણ મનાય છે.
એનડીએએ ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના ચહેરા પર લડી હતી. જોકે, હવે 75 વર્ષના નીતિશ કુમારે 50 વર્ષના એન્જિનિયર પુત્ર નિશાંત કુમાર માટે નાયબ મુખ્યમંત્રી પદના બદલામાં ભાજપને સત્તા સોંપવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. નીતિશ કુમારની જેમ જ નિશાંતને પણ વિધાન પરિષદના માર્ગે ગૃહમાં લવાય અને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. હોળીની પૂર્વ સંધ્યાએ જ ભાજપના નેતા વિજય કુમાર ચૌધરીએ દાવો કર્યો હતો કે નીતિશકુમારના પુત્ર નિશાંત ટૂંક સમયમાં જ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે. જોકે, તેમણે નીતિશ કુમારના મુખ્યમંત્રીપદ છોડવાની સ્થિતિમાં તેમનો ઉત્તરાધિકારી કોણ હશે તે અંગે કશું કહ્યું નહોતું, પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ થઈ રહી હોવાનું રાજકીય નિરિક્ષકોનું કહેવું છે.
આ પણ વાંચો : 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય










