![]()
Bihar Politics: બિહારમાં નવી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારની રચના પહેલા મંત્રીમંડળને અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન ભાજપ અને જનતા દળ યુનાઇટેડ (JDU) બંનેએ સ્પીકર પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મંગળવારે (18મી નવેમ્બર) નવી દિલ્હીમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા દળ (યુનાઇટેડ) અને ભાજપ વચ્ચે સ્પીકર પદ તેમજ મુખ્ય મંત્રાલયોની ફાળવણી અંગે ચર્ચા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સ્પીકર પદ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
સ્પીકરના પદ માટે ભાજપનો મજબૂત દાવો
સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ અને જેડીયુ બંને સ્પીકરના પદ માટે મજબૂત દાવેદારી દાખવી રહ્યા છે, પરંતુ ખાસ કરીને ભાજપ કોઈપણ કિંમતે આ પદ જાળવી રાખવા માંગે છે. પાછલી વિધાનસભામાં, ભાજપના નેતા નંદ કિશોર યાદવે સ્પીકર તરીકે સેવા આપી હતી, જ્યારે જેડીયુના નરેન્દ્ર નારાયણ યાદવે ડેપ્યુટી સ્પીકરનું પદ સંભાળ્યું હતું.
આ પણ વાંચો: ‘દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા’, RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું
મુખ્ય મંત્રાલય અંગે ખેંચતાણ
સ્પીકરના પદ ઉપરાંત બંને પક્ષો વચ્ચે અન્ય ઘણાં મુખ્ય સરકારી મંત્રાલયો પર પણ ખેંચતાણ ચાલી રહી છે. બિહાર ભાજપના નેતાઓએ રણનીતિ પર ચર્ચા કરવા માટે પટણામાં મોડી રાત સુધી ચર્ચા કરી. JDU નેતાઓ સંજય કુમાર ઝા અને લાલન સિંહ સહિત કેટલાક નેતાઓ મંગળવારે ઉચ્ચ સ્તરીય વાટાઘાટોમાં ભાગ લેવા માટે દિલ્હી જાય તેવી શક્યતા છે.
20મી નવેમ્બરે શપથ ગ્રહણ સમારોહ
નવી સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 19મી નવેમ્બરે ભાજપ અને જેડીયુ બંનેની અલગ-અલગ વિધાનસભા પક્ષની બેઠકો બોલાવવામાં આવી છે. ત્યારબાદ તે જ દિવસે સમગ્ર એનડીએ વિધાનસભા પક્ષની સંયુક્ત બેઠક યોજાશે. આ પ્રયાસો 20મી નવેમ્બરે પૂર્ણ થશે, જ્યારે નવી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ પટણાના ગાંધી મેદાનમાં યોજાશે.










