![]()
– રાજદના ગાજ્યા મેઘ વરસ્યા નહીં : કોંગ્રેસનો ફિયાસ્કો, પરિણામોએ વિરોધ પક્ષની બોલતી બંધ કરી
– મહિલાઓને 10 હજારની મદદથી ભાજપ-જદયુનો 95 ટકાના સ્ટ્રાઈક રેટ સાથે ઐતિહાસિક વિજય : એનડીએની 202, મહાગઠબંધન 35
– રાજદ-કોંગ્રેસની તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ
– બધાના સહયોગથી બિહારને દેશના સૌથી વધુ વિકસિત રાજ્યોમાં લાવીશું : નીતિશ
પટના : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-જદયુના નેતૃત્વમાં એનડીએના ઐતિહાસિક સુનામીમાં મહાગઠબંધનનો સફાયો થઈ ગયો છે. એનડીએએ બિહારમાં ૨૪૩માંથી ૨૦૨ બેઠકો પર વિજય મેળવ્યો છે. ભાજપ અને જદયુ બંનેના ૯૫ના સ્ટ્રાઈક રેટ સાથે બિહારમાં પહેલી વખત કોઈ ગઠબંધને બે તૃતિયાંશથી વધુ બેઠકો પર અસાધારણ વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ ૮૯ અને જદયુ ૮૫ બેઠકો સાથે પહેલા અને બીજા ક્રમે રહ્યા છે જ્યારે ત્રીજા ક્રમે રહેલા રાજદની માત્ર ૨૫ બેઠકો છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએએ બિહારમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પહેલાં જ ૨૬ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની જાહેરાત કરતાં ૭૫ લાખ મહિલાઓના ખાતામાં સીધા જ રૂ. ૧૦,૦૦૦ ટ્રાન્સફર કરીને એનડીએનો વિજય જાણે નિશ્ચિત કરી દીધો હતો.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં અસાધારણ વિજય સાથે ભાજપે ફરી એક વખત સાબિત કર્યું છે કે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા અને ચૂંટણી પકડ બિહાર જેવા રાજકીયરૂપે અતિ સંવેદનશીલ રાજ્યમાં પણ ખૂબ જ સારી રીતે કામ કરે છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓને અપાયેલી આર્થિક મદદ પર વિશેષ ભાર મૂક્યો.
આ સાથે વડાપ્રધાનમોદીના નેતૃત્વમાં એનડીએના નેતાઓએ બિહારની જનતાને રાજદના શાસનના કથિત ‘જંગલરાજ’ની સતત યાદ અપાવી. આ પરિબળોએ એનડીએના પ્રચંડ વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. એનડીએએ એક થઈને કરેલા મજબૂત ચૂંટણી પ્રચારના પગલે ૧૦૧ બેઠકો પર ચૂંટણી લડનારા ભાજપે ૮૯ જ્યારે જદયુએ ૮૫ બેઠકો પર વિજય મેળવ્યો. એટલું જ નહીં ચિરાગ પાસવાનના લોકજનશક્તિ પક્ષ (આરવી)એ પણ ૨૯માંથી ૧૯, જીતનરામ માંઝીના હમે ૬માંથી પાંચ બેઠકો જીતી હતી.
બિહારમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારે ૬ ઑક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી તે પહેલાં જ ૨૬ સપ્ટેમ્બરે એનડીએએ બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ૭૫ લાખ મહિલાઓને રૂ. ૧૦,૦૦૦નો પહેલો અને ૬ ઑક્ટોબરના રોજ નીતિશ કુમારે ૨૫ લાખ મહિલાઓને રૂ. ૧૦,૦૦૦નો બીજો હપ્તો આપીને જાણે તેમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. એનડીએની મહિલાઓ તરફી કલ્યાણકારી યોજનાઓનો સકારાત્મક પડઘો પડયો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લેતાં પુરુષો કરતાં ૧૦ ટકા વધુ મતદાન કર્યું હતું. આમ એનડીએના વિજયમાં મહિલાઓની ભૂમિકા નિર્ણાયક રહી. વધુમાં એનડીએના ૧૨૫ યુનિટ મફત વીજળી, સામાજિક સુરક્ષા પેન્શન જેવા મુદ્દાઓએ પણ સહાયક તરીકે કામ કર્યું હતું.
બીજીબાજુ રાજદ, કોંગ્રેસ તથા ડાબેરી પક્ષોના મહાગઠબંધને સરકાર વિરોધી જનભાવના, બેરોજગારી, પલાયનવાદ જેવા જનતાને સ્પર્શતા મુદ્દાઓ છોડીને ચૂંટણી પ્રચારમાં વોટ ચોરી જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો. વધુમાં બિહારમાં ચૂંટણીની જાહેરાત પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચારથી દૂર રહ્યા તેમજ રાજદ, કોંગ્રેસ અને સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે વિખવાદે એનડીએનો માર્ગ મોકળો કરી દીધો.
આંતરિક વિખવાદ અને મુદ્દા વિહિન ચૂંટણી પ્રચારે મહાગઠબંધનને ૩૫ બેઠકોમાં સમેટી દીધો, જેમાં રાજદે સૌથી વધુ ૨૫ બેઠકો જીતી છે. રાજદની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે મહાગઠબંધનના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તેજસ્વી યાદવ રાધોપુર બેઠક પર શરૂઆતના તબક્કામાં પાછળ ચાલી રહ્યા હતા. તેમણે પાછળથી લીડ મેળવી અને વિજય મેળવ્યો હતો. વધુમાં એનડીએ સાથે છેડો ફાડી મહાગઠબંધનમાં જોડાનાર અને પોતાને નાયબ મુખ્યમંત્રીપદના દાવેદાર ગણાવનારા મુકેશ સાહનીનો વીઆઈપી એક પણ બેઠક જીતી શક્યો નહીં.
બિહારમાં માત્ર રાજદ અને કોંગ્રેસ જ નહીં એક નવા ચૂંટણી પ્રચારની આશા જગાવનારા જનસુરાજ પાર્ટીનો પણ ભારે ફિયાસ્કો થયો હતો. ચૂંટણી રણનીતિકાર તરીકે અનેક પક્ષોને જીતાડનારા પ્રશાંત કિશોર પોતાના જ પક્ષને જીતાડી શક્યા નહીં. જનસુરાજના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ.
બિહારમાં ભાજપના અભૂતપૂર્વ વિજયે માત્ર તેની રાજકીય તાકાત વધુ મજબૂત નથી કરી, પરંતુ લોકસભા ચૂંટણી ૨૦૨૪માં મળેલા ફટકાને પણ સંતુલિત કરી દીધો છે. ભાજપને કેન્દ્રમાં સત્તા જાળવી રાખવા નીતિશ-ચંદ્રાબાબુના સાથી પક્ષોની જરૂર પડતી હતી, પરંતુ બિહારમાં અભૂતપૂર્વ વિજય સાથે ભાજપે ફરી એક વખત બધાને ચૂપ કરી દીધા છે.
બિહારની ચૂંટણીમાં નજીવા અંતરથી વિજય
પટના : બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. એનડીએએ ૨૦૨ બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો છે જ્યારે મહાગઠબંધન ૫૦નો આંકડો પણ સ્પર્શી શકી નથી. જોકે, આ ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો અત્યંત નજીવા અંતરથી જીત્યા છે, જેમાં જદયુના ઉમેદવાર રામચરણ સાહ સંદેશ બેઠક પર સૌથી ઓછા માત્ર ૨૭ મતોથી જીત્યા છે. તેમને ૮૦,૫૯૮ વોટ મળ્યા છે. તેમણે રાજદના દીપુ સિંહને હરાવ્યા છે, જેમને ૮૦,૫૭૧ મત મળ્યા છે. એ જ રીતે અગિઆંવ બેઠક પર ભાજપ ઉમેદવાર મહેસ પાસવાને માત્ર ૯૫ મતોના તફાવતથી વિજય મેળવ્યો છે. તેમને ૬૯,૪૧૨ મત મળ્યા હતા જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી-લેનિનવાદી)ના શિવ પ્રકાશ રંજનને ૬૯,૩૧૭ મત મળ્યા હતા.
બિહારમાં કોને કેટલી બેઠકો
|
પક્ષ |
બેઠક |
|
|
– |
૨૦૨૫ |
૨૦૨૦ |
|
ભાજપ |
૮૯ |
૭૪ |
|
જદયુ |
૮૫ |
૪૩ |
|
એલજેપી(આરવી) |
૧૯ |
૧ |
|
હમ (એસ) |
૫ |
૪ |
|
આરએલએમ |
૪ |
૦ |
|
રાજદ |
૨૫ |
૭૫ |
|
કોંગ્રેસ |
૬ |
૧૯ |
|
સીપીઆઈ-એમએલ |
૨ |
૧૨ |
|
સીપીઆઈ-એમ |
૧ |
૨ |
|
આઈઆઈપી |
૧ |
૦ |
|
એઆઈએમઆઈએમ |
૫ |
૫ |
|
બસપા |
૧ |
૧ |










