Mokama Violence: મોકામામાં થયેલી ચૂંટણી હિંસા અને દુલારચંદ યાદવ હત્યાકાંડના પગલે ચૂંટણી પંચ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સમીક્ષા બાદ પંચે શાંતિ સ્થાપવા માટે કડક દેખરેખ રાખવા જણાવ્યું છે, સાથે જ રાજ્યના અધિકારીઓને ગેરકાયદેસર હથિયારોની જપ્તી તેજ કરવા અને લાયસન્સવાળા હથિયારો જમા કરાવી દેવાનો આદેશ આપ્યો છે.
ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવા પર ભાર
મોકામામાં થયેલી ચૂંટણી હિંસાને ધ્યાનમાં રાખીને, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)એ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી. બેઠક બાદ પંચે રાજ્ય પ્રશાસનને કડક નિર્દેશો આપ્યા.
પંચે સ્પષ્ટ કહ્યું છે કે, શાંતિપૂર્ણ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કાયદો અને વ્યવસ્થાનું કડકાઈથી પાલન થવું જોઈએ. આ માટે અધિકારીઓને ગેરકાયદેસર હથિયારોની જપ્તીનું અભિયાન તરત જ તેજ કરવા અને લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. બેઠક બાદ પંચ દ્વારા અધિકારીઓને સ્પષ્ટ કાર્ય સોંપવામાં આવ્યું કે કોઈપણ ભોગે ચૂંટણીલક્ષી હિંસા સહન કરવામાં આવશે નહીં.
મોકામા હિંસા પર સતત FIR
મોકામામાં દુલારચંદ યાદવની હત્યા બાદ FIRની સંખ્યા સતત વધી રહી છે. ચૂંટણીની અદાવતને પગલે, તાજેતરમાં આરજેડી ઉમેદવાર વીણા દેવીના સમર્થકોએ પંડારક પોલીસ સ્ટેશનમાં વધુ એક FIR નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, શુક્રવારે દુલારચંદ યાદવની શબયાત્રા દરમિયાન પંડારકમાં હુલ્લડ થયું હતું, જેમાં વીણા દેવીના કાફલાની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે સુમિત, સોનુ અને ગોલુને આરોપી બનાવવામાં આવ્યા છે.
મોકામા હત્યાકાંડ કુલ ચાર FIR નોંધાઈ
દુલારચંદ યાદવ હત્યાકાંડ અને સંબંધિત ઘટનાઓને લઈને કુલ ચાર FIR નોંધાઈ છે. (ત્રણ ભદૌર પોલીસ સ્ટેશનમાં અને એક પંડારક પોલીસ સ્ટેશનમાં). પહેલી FIR દુલારચંદના પૌત્ર નીરજ કુમારની લેખિત ફરિયાદ પર નોંધાઈ, જેમાં અનંત સિંહ, તેમના બે ભત્રીજા રાજવીર અને કર્મવીર, છોટન સિંહ, કંજય સિંહને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. બીજી FIR અનંત સિંહના સમર્થક જિતેન્દ્ર કુમારની ફરિયાદ પર થઈ, જેમાં મોકામાથી જનસુરાજ ઉમેદવાર પ્રિયદર્શી પીયૂષ, લખન મહતો, બાજો મહતો, નીતીશ મહતો, ઈશ્વર મહતો, અજય મહતોને આરોપી બનાવવામાં આવ્યા છે. જયારે ત્રીજી FIR દુલારચંદ યાદવની હત્યાના મામલે પોલીસે પોતાની તરફથી નોંધાવી છે. તેમજ ચોથી FIR પંડારકમાં આરજેડી ઉમેદવાર વીણા દેવીના સમર્થકો સામે શબયાત્રા દરમિયાન થયેલું હુલ્લડ અને તોડફોડને લઈને નોંધાવી છે.
આ પણ વાંચો: VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉહાપોહ
ચૂંટણી પંચની સખ્તાઈ
ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે, મોકામા જેવી ઘટનાઓને રોકવા માટે અધિકારીઓને ક્ષેત્રમાં સતત દેખરેખ રાખવી પડશે. આ ઉપરાંત પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ક્ષેત્રમાં હથિયાર રાખનારાઓ અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરી શકાય.











