![]()
કાનૂની કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ મેટ અને જીઆરએસ વિરૂદ્ધ કેસ દાખલ કરવા વીરસદ પીઆઈને જાણ કરી હતી
આણંદ: બોરસદ તાલુકાના કાલુ ગામમાં મનરેગા યોજનામાં મૃતકોના જોબકાર્ડ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ અંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ કૌભાંડમાં સંડોવાયેલા બે વ્યક્તિઓ વિરૂદ્ધ કાનુની કાર્યવાહી કરવા વીરસદના પીઆઈને લેખિત જાણ કરી હતી. આ વાતને ૮ મહિના થવા છતાં હજૂ સુધી કોઈ કાર્યવાહી નહીં થતા કાલુના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હેતલબેન એન. શર્માએ તા. બીજી જાન્યુઆરીએ વીરસદ પીઆઈને કાલુ ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર બાબતે લેખિત જાણ કહીને જણાવ્યું હતું કે, મનરેગા અંતર્ગત કાલુ ગામમાં ૨૦૧૭ અને ૨૦૧૮માં મૃત્યુ પામેલા લોકોના જોબકાર્ડ થકી મે-૨૦૨૦માં મસ્ટર નં.- ૩૮૦, ૩૮૧ અને ૬૭૯માં ૬થી ૭ દિવસની ખોટી હાજરી ભરી હતી. અવસાન પામેલા વ્યક્તિઓના ખોટી હાજરી થકી રૂા. ૬,૨૫૩ની ગેરરીતિ કરી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. ગેરરીતિ બાબતે તત્કાલીન મેટ સંજય વિનુભાઈ પરમાર (રહે. કાલુ ગામ) અને જીઆરએસ પંકજ ગણપતસિંહ સોલંકી (રહે. બદલપુર ગામ) તથા અન્ય જવાબદારો સામે કાનુની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બાદમાં પણ ફરિયાદ ના થતા કાલુના ગ્રામજને ખંભાત નાયબ પોલીસ અધિક્ષકને લેખિત અરજી કરી હતી. જે સંદર્ભે ખંભાત નાયબ પોલીસ અધિક્ષકે એપ્રિલ-૨૦૨૫માં વીરસદ પોલીસને કાનુની કાર્યવાહી કરવાની જાણ કરી છે. ત્યારે હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ ફરિયાદ દાખલ નહીં કરાતા કાલુના ગ્રામજનોએ કાલુ ગામમાં મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની માંગણી સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.










