![]()
અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિના દરમિયાન ટોચના ૨૦ દેશોમાંથી લગભગ ૭ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે. જોકે અપેક્ષા અનુસાર જ અમેરિકામાં આયાત જકાત વધે તે પહેલાં જ નિકાસ ૨૨ ટકા જેટલી વધી ગઈ છે. ઓગસ્ટના અંત સુધીમાં ૫૦ ટકા ડયુટી લાગુ થવાથી મહિનાઓમાં ભારતની અમેરિકામાં નિકાસમાં ભારે ઘટાડો થઈ શકે છે.
વાણિજ્ય વિભાગના ડેટા અનુસાર, એપ્રિલ-જુલાઈ દરમિયાન નેધરલેન્ડ (-૨૧.૨ ટકા), યુકે (-૧૧.૨ ટકા), સિંગાપોર (-૧૧.૮ ટકા), સાઉદી અરેબિયા (-૧૧.૮ ટકા), દક્ષિણ આફ્રિકા (-૧૬.૩ ટકા), ઇટાલી (-૯.૩ ટકા), ફ્રાન્સ (-૧૭.૩ ટકા) અને મલેશિયા (-૨૮.૮ ટકા) જેવા દેશોમાં નિકાસમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિનામાં ભારતની કુલ વેપારી નિકાસમાં આ ૨૦ દેશોનો હિસ્સો ૬૯ ટકા છે.
આ સાથે વર્ષના શરૂના આ મહિનાઓ દરમિયાન ભારતની નિકાસ ૩ ટકા વધીને ૧૪૯.૨ અબજ ડોલર થઈ છે, જેમાં યુએસમાં શિપમેન્ટ ૨૨ ટકા વધ્યું છે. યુએસ ભારતનું સૌથી મોટું નિકાસ બજાર રહ્યું છે. નિકાસકારો કહે છે કે યુએસ દ્વારા વિવિધ દેશો પર ટેરિફ લાદતા ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક માંગ ધીમી રહી છે.
જોકે એક્સપોર્ટરો દ્વારા આક્રમક નિકાસને કારણે યુએસમાં ભારતની નિકાસ મજબૂત રહી છે અને ડબલ ડિજિટનો વિકાસ દર જાળવી રાખ્યો છે. યુએસ ખરીદદારો ડયુટી ટાળવા માટે સ્ટોક ઉભો કરી રહ્યાં છે અને ૫૦ ટકા ટેક્સ લાદવામાં આવ્યા પછી માંગમાં ધરખમ ઘટાડો થઈ શકે છે.
નિકાસકારોએ યુએસ ઓર્ડરને પ્રાથમિકતા આપી હતી અને તેના કારણે અન્ય મુખ્ય બજારોમાં તેટલો ડિલિવરી કરી શક્યા ન હતા. ઓગસ્ટના અંતથી લાદવામાં આવેલા ૫૦ ટકા કરને ટાળવા માટે નિકાસકારોએ યુએસમાં નિકાસ વધારી હતી.










