![]()
– ટ્રમ્પના જંગી ટેરિફ, જીએસટીમાં કાપની બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર પર અસર નહીં
– જીડીપી વૃદ્ધિદર એપ્રિલ-જૂન 2025માં 7.8 ટકા, જુલાઈ-સપ્ટે. 2024માં 5.6 ટકા, ભારતે દુનિયામાં સૌથી ઝડપથી વિકસિત અર્થતંત્રનું બિરૂદ જાળવ્યું
– વર્ષ 2023ના પહેલા ત્રિમાસિક પછી 6 વખત 8 ટકાથી વધુનો વિકાસદર નોંધાયો
– ભારત ચાલુ નાણાકીય વર્ષમાં 7 ટકાનો વૃદ્ધિદર નોંધાવવાની સાથે ચાર લાખ કરોડનું અર્થતંત્ર બની જશે : મુખ્ય આર્થિક સલાહકાર
નવી દિલ્હી : અનેક પડકારો છતાં ભારતીય અર્થતંત્રે મોટા-મોટા અર્થશાસ્ત્રીઓના અંદાજોને પાછળ પાડીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ત્રિમાસિક જુલાઈથી સપ્ટેમ્બરમાં ૮.૨ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે છેલ્લા છ ત્રિમાસિક એટલે કે ૧૮ મહિનામાં સૌથી વધુ છે. દુનિયામાં રશિયા-યુક્રેન, ઇઝરાયેલ-હમાસના યુદ્ધોની પૃષ્ઠભૂમિ, ભૂ-રાજકીય તણાવ, ટ્રમ્પના ટેરિફના કારણે ટ્રેડ વોરની સ્થિતિ જેવા પડકારોના પગલે દુનિયાના મોટા-મોટા અર્થતંત્રો મંદીમાં સપડાયેલા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર સૌથી વધુ ૫૦ ટકા ટેરિફ નાંખવા સાથે ભારતને ‘ડેડ ઈકોનોમી’ ગણાવી હતી ત્યારે આ પડકારોનો સામનો કરીને પણ ભારતીય અર્થતંત્ર તિવ્ર ગતિએ વિકાસ કરતા દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસિત અર્થતંત્રનું બિરૂદ જાળવી રાખ્યું છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફ, અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે અનિશ્ચિતતા, સપ્લાય ચેનની ઉથલ-પાથલ, જીએસટી રેટ કટ સહિતના પડકારોનો સામનો કરીને પણ ભારતે જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૫ના ત્રિમાસિકમાં ૮.૨ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે પાછલા ત્રિમાસિક એપ્રિલ-જૂન ૨૫માં ૭.૮ ટકા તેમજ ગયા વર્ષના સમાન સમયમાં ૫.૬ ટકા કરતાં વધુ સારો જીડીપી વૃદ્ધિદર છે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૩ના પહેલા ત્રિમાસિકથી અત્યાર સુધીમાં ૬ વખત ૮ ટકાથી વધુનો વિકાસ દર હાંસલ કર્યો છે. ભારતના આ વૃદ્ધિદરે બધા જ અર્થશાસ્ત્રીઓના અંદાજોને ખોટા પાડયા છે, જેમણે બીજા ત્રિમાસિકમાં ભારતનો વૃદ્ધિદર ૭થી ૭.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પહેલા છ માસમાં કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ૮ ટકા રહ્યો છે, જે એક વર્ષ અગાઉ સમાન સમયમાં ૬.૧ ટકા કરતાં વધુ છે. સ્થિર કિંમતો પર વાસ્તવિક જીડીપી બીજા ત્રિમાસિકમાં રૂ. ૪૮.૬૩ લાખ કરોડે પહોંચી ગયો છે, જે ગયા વર્ષે સમાન સમયમાં રૂ. ૪૪.૯૪ લાખ કરોડ હતો. નામમાત્ર જીડીપીમાં ૮.૭ ટકા અને વાસ્તવિક જીવીએમાં ૮.૧ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
એનએસઓના આંકડા મુજબ ગ્રાહક ખર્ચમાં તીવ્ર વધારા અને ઉત્પાદન સેક્ટરના શાનદાર દેખાવના કારણે જીડીપીએ વૃદ્ધિદર માટે ૮ ટકાના આંકડાને પાર કરી લીધો છે. ૨૦૨૫-૨૬ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર ૯.૨ ટકા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ૯.૧ ટકા નોંધાયો હતો. સાથે નાણાકીય, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ્સ સર્વિસ સેક્ટરમાં ૧૦.૨ ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે.
મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને શુક્રવારે જણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારત ૭ ટકાનો વિક્રમી વૃદ્ધિદર નોંધાવશે. આ સાથે ભારત વિકાસની વર્તમાન ગતિ જાળવી રાખશે તો ભારતીય અર્થતંત્ર આ વર્ષે ચાર લાખ કરોડ ડોલરના આંકડાને પાર કરી જશે. ભારત હાલ ૩,૯૦૦ અબજ ડોલરના જીડીપી સાથે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. સંસદમાં જાન્યુઆરીમાં રજૂ કરાયેલા આર્થિક સરવેમાં નાણાકીય વર્ષ ૨૬નો વાસ્તવિક વૃદ્ધિદર ૬.૩થી ૬.૮ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
એનએસઓના આંકડા બતાવે છે કે સપ્ટેમ્બરના ત્રિમાસિકના જીડીપી વૃદ્ધિદર પર જીએસટી કાપ તેમજ ટ્રમ્પના ૫૦ ટકા ટેરિફની મામૂલી અસર થઈ છે.










