![]()
– પહેલગામમાં આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર પછી બોયકોટ એશિયા કપ અભિયાન વચ્ચે
– આપણા સૈનિકો જીવની આહુતિ આપે છે ત્યારે ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ગૌરવ-જનભાવના વિરુદ્ધ
નવી દિલ્હી : પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની નામ પૂછીને હત્યા કરવાના વિરોધમાં ભારતે પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સંબંધો કાપી નાંખ્યા છે. વડાપ્રધાન મોદીએ ‘લોહી અને પાણી’ સાથે ના ચાલી શકે તેમ કહેતા સિંધુ જળ સંધી પણ રદ કરી દીધી હતી. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે દુબઈમાં ક્રિકેટ મેચ રમાવાની છે ત્યારે આ મેચને રોકવા માટે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીની તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરતા કહ્યું કે, મેચ ભલે થવા દો, તેમાં ઉતાવળ શું છે?
પહલગામ આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં આવેલા આતંકી સ્થળો અને પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે દરેક પ્રકારના દ્વિપક્ષીય સંબંધો અટકાવી દીધા છે અને પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવા દબાણ કર્યું છે. બીજીબાજુ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે ક્રિકેટ મેચ યોજાવાની છે.
એશિયા કપનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી દેશવાસીઓ ભારત અને પાકિસ્તાનની મેચનો વિરોધ કરી રહ્યા છે અને દેશભરમાં ‘બોયકોટ એશિયા કપ’ અભિયાન ચાલી રહ્યું છે. આમ છતાં ભારતીય ક્રિકેટ બોર્ડે એશિયા કપ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોવાથી તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના આયોજનનો બચાવ કર્યો છે, જેથી ભારત-પાકિસ્તાનની મેચ રોકવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચ રોકવા માટે ગુરુવારે થયેલી જાહેર હિતની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો હતો. ન્યાયાધીશો જેકે માહેશ્વરી અને વિજય બિશ્નોઈની બેન્ચે કહ્યું કે, આમાં આટલી ઉતાવળ શું છે? આ એક મેચ જ છે, તેને થવા દો. મેચ આ રવિવારે જ રમાવાની છે, તો શું કરી શકાય?
વકીલે દલીલ કરી કે ક્રિકેટ મેચ રવિવારે છે અને આ કેસ શુક્રવારે લિસ્ટ નહીં કરાય તો અરજી નિરર્થક થઈ જશે. આ અંગે બેન્ચે કહ્યું કે, આ રવિવારે મેચ છે? અમે તેમાં શું કરી શકીએ? તે થવા દો, મેચ થવી જોઈએ. ઉર્વશી જૈનના નેતૃત્વમાં ચાર કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું હતું કે, પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદુર પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનું આયોજન રાષ્ટ્રીય ગૌરવ અને જનભાવનાથી વિપરિંત સંદેશો આપે છે.
અરજીમાં કહેવાયું કે, દેશો વચ્ચે ક્રિકેટનો ઉદ્દેશ્ય સદભાવ અને મિત્રતા પ્રદર્શિત કરવાનો છે. પરંતુ પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદુર પછી આપણા લોકો માર્યા ગયા અને આપણા સૈનિકોએ પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું. આમ છતાં ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાથી એવો વિપરિત સંદેશો અપાશે કે આપણા સૈનિકો જીવની આહુતિ આપે છે, પરંતુ આપણે એ જ દેશ સાથે રમત રમી રહ્યા છીએ, જે આતંકીઓને આશરો આપી રહ્યો છે.
અરજદારોએ જણાવ્યું કે, આ ક્રિકેટ મેચથી એવા લોકોના પરિવારોની ભાવનાઓને ઠેસ પહોંચે છે, જેમના સ્વજનોએ પાકિસ્તાની આતંકીઓના હાથે જીવ ગુમાવ્યા અને ઓપરેશન સિંદુરમાં જે સૈનિકોએ શહીદી વહોરી. રાષ્ટ્રનું ગૌરવ અને નાગરિકોની સુરક્ષા મનોરંજન પહેલા આવે છે. અરજીમાં કહેવાયું કે બંને દેશો વચ્ચે ક્રિકેટ મેચ રાષ્ટ્રીય હિતો માટે હાનિકારક છે અને સશસ્ત્ર દળો તથા સમગ્ર રાષ્ટ્રના મનોબળ માટે પણ હાનિકારક છે.










