![]()
વડોદરા,મકરપુરા એરફોર્સ પાસે આવેલી કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકને સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો મેસેજ આવતા પોલીસને જાણ કરાઇ હતી.પોલીસે બોમ્બ સ્કવોડ દ્વારા સ્કૂલમાં તપાસ કરાવી હતી.
મકરપુરા એરફોર્સ પાસે આવેલી કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકને ગત મોડીરાત્રે ત્રણ વાગ્યે મોબાઇલ પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. જેમાં ઉર્દૂ ભાષામાં લખ્યું હતું કે, તમારી સ્કૂલને ઉડાવી દઇશું. સવારે શિક્ષકે સ્કૂલના પ્રિન્સીપાલને જાણ કરી હતી. તેમણે પોલીસને જાણ કરતા પોલીસ એક્શનમાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મકરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સવારે ૯ વાગ્યે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સમગ્ર સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ, કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહતી. આ મેસેજ ઇન્ટરનેશનલ નંબર પરથી મોકલવામાં આવ્યો હતો. જેના પગલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધમકી ભર્યો મેસેજ કરનારને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની અન્ય કેન્દ્રીય વિદ્યાલયોને પણ મેસેજ થયા હતા.










