![]()
વડોદરાઃ મહારાષ્ટ્રના આનંદ ઉદ્યોગ ગુ્રપના ઉધોગપતિના ૧૮ વર્ષના પુત્રનું ત્રણ દિવસ પહેલાં અપહરણ કરનારા ચાર અપહરણકારો પૈકી બે અપહરણકારો વડોદરાના કમાટીબાગમાંથી ઝડપાઇ જતાં તેમને મહારાષ્ટ્ર પોલીસને સોંપવા તજવીજ કરાઇ છે.
મહારાષ્ટ્રમાં પૂણેના ભોર તાલુકાના કપૂરહોલ ખાતે રહેતા ઉદ્યોગપતિ લખન ઉર્ફે મહેશ કાશીનાથ દળવીનો ૧૮વર્ષનો પુત્ર પૃથ્વીરાજ તા.૩જીએ બપોરે ઘરતરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં કાળારંગની કારમાં આવેલા ચારેક અપહરણકારોએ તેને જબરદસ્તી કારમાં બેસાડી દીધો હતો.
યુવકે બૂમરાણ મચાવતાં તેને માર મારીને મોંઢામાં રિવોલ્વરનું નાળચું મૂકી દીધું હતું. અપહરણકારોનો પીછો કરવામાં પિતા લખન દળવીને સફળતા નહિ મળતાં તેમણે પોલીસને જાણ કરી હતી.જેથી રાજગઢ પોલીસ તેમજ અન્ય તાલુકાની પોલીસે ચારેબાજુ નાકાબંધી કરી હતી.જેથી શેરડીના ખેતરમાં પૃથ્વીને કારમાં છોડી ચારેય ભાગી ગયા હતા.
પોલીસે આ બનાવમાં પૃથ્વીને તેના પરિવારને સોંપી અક્ષય ઇંગુલકર અને અક્ષય દત્તાત્રેય નામના બે અપહરણકારને ઝડપી પાડયા હતા.જ્યારે તેમના બે સાગરીતનું લોકેશન વડોદરામાં મળતાં એસીપી ડીજે ચાવડા અને સયાજીગંજના પીઆઇ સ્વપ્નિલ પંડયાનો સંપર્ક કર્યો હતો.પોલીસે લોકેશન પરથી પંકજ મોહન વાલ્હેકર (કામથડી, તા. ભોર,પૂણે) અને ગણેશ મહેન્દ્ર ઘાડવે (સારોડા, ભોર)ને કમાટીબાગમાંથી ઝડપી પાડયા હતા.










