
Delhi High Court News : પારિવારિક વિવાદોમાં હંમેશા સાસરિયાવાળા જ જવાબદાર હોય તેવુ જરૂરી નથી, મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવતી હોય છે તેવુ અવલોકન દિલ્હી હાઇકોર્ટ દ્વારા એક મામલાની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યું હતું. પત્ની દ્વારા મધ્યસ્થતા દરમિયાન દર વખતે નવી નવી માગ કરવાને કોર્ટે લાલચી વલણ ગણાવ્યું હતું. દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ બંસલ કૃષ્ણાની બેંચે એક મહિલા દ્વારા કરાયેલી દહેજ ઉત્પીડનની ફરિયાદ મામલે સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. બેંચે કહ્યું હતું કે આ મામલામાં પત્નીએ વધુમાં વધુ ધન પડાવવા માટે પતિ અને સસરા સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન આ હકિકતો સામે આવી હતી, દહેજ ઉત્પીડન કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સ્પષ્ટ થાય છે. કોર્ટોએ કાયદાનો દુરૂપયોગ થતો અટકાવવાની જરૂર છે.










