![]()
Gujarat High Court on Tenant Owner Case: ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદો આપ્યો છે, જે મુજબ જો કોઇ ભાડુઆતે ટીપી એકટની કલમ-108ની અનુચ્છેદ (ઓ)ની જોગવાઇ વિરૂઘ્ધ કૃત્ય કર્યું હોય તો મકાનમાલિક વિવાદીત મિલકતના સ્થળની સ્થિતિ પાછી મેળવવા માટે હકદાર રહે છે. જસ્ટિસ જે.સી.દોશીએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, ભાડા કાયદા(રેન્ટ એકટ) ની કલમ-23 એ મુજબ, ભાડુઆત તેના ખર્ચે વીજળી મેળવવા હકદાર છે, એ સિવાય જો ભાડુઆત મકાનમાલિકની લેખિત સંમતિ વિના કોઇ કાયમી માળખુ કે બાંધકામ કરે છે તો તે ભાડાની જગ્યાનો શાંતિપૂર્ણ અને ખાલી કબજો સોંપવા માટે જવાબદાર છે અને તેને ભાડુઆતની શરતોનો ભંગ કહેવાય. આ સાથે વર્ષોથી ગોડાઉનની મિલકત ભાડે ધરાવતા ભાડુઆતને ચાર સપ્તાહમાં મિલકતનો શાંતિપૂર્ણ અને ખાલી કબજો મકાન માલિકને સોંપી દેવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો.
હાઇકોર્ટે અરજી ધરાર ફગાવી દીધી
પ્રસ્તુત કેસમાં હાઇકોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓના આધારે સ્પષ્ટ કર્યું હતું કે, ભાડુઆત દ્વારા ગોડાઉનની મિલકતમાં દિવાલના પાકા બાંધકામ પરથી સ્પષ્ટ થાય છે કે, ભાડુઆતે આ માળખાનો ઉપયોગ લાંબા સમયના ભાડાપટ્ટાને ઘ્યાનમાં રાખીને મકાન માલિકની સંમતિ વિના કર્યો છે. હાઇકોર્ટે વર્ષોથી મિલકતમાં ભાડાપટ્ટે રહેતા ભાડુઆતની રિવીઝન (અપીલ) અરજી ધરાર ફગાવી દીધી હતી અને મિલકતનો શાંતિપૂર્ણ અને ખાલી કબજો મકાન માલિકને સોંપી દેવા ફરમાન કર્યું હતું. હાઇકોર્ટે ભાડુઆતને અગાઉ અપાયેલી વચગાળાની રાહત પણ પાછી ખેંચી લીધી હતી.
ભાડુઆતના ઇરાદાને ધ્યાને લેવાયો
હાઇકોર્ટે વઘુમાં જણાવ્યું હતું કે, જો ભાડુઆતનો ઇરાદો ચોખ્ખો હોત તો તેણે અન્ય કોઇપણ સામગ્રીનો ઉપયોગ કરીને પાર્ટીશન દિવાલ(કાચી દિવાલ) બનાવી હોત. પરંતુ ભાડુઆત દ્વારા મકાનમાલિકની સંમંતિ વિના બાંધી દેવાયેલી સિમેન્ટના પાયા પર ઉભી કરાયેલી દિવાલ દૂર કરવાથી પરિસરને પણ ગંભીર નુકસાન થાય તેમ છે. ભાડુઆતના ઇરાદાની વાત કરીએ તો, ભાડુઆત લેખિત અને મૌખિક નિવેદનમાં મૌન રહ્યો છે. તેણે પાકી દિવાલના બાંધકામના બચાવમાં એમ જણાવ્યું કે, લોખંડના પતરાથી બનેલા પાર્ટીશનમાં કાટ લાગતો હતો અને તેથી દિવાલ બનાવી છે. પરંતુ પાકી દિવાલના બાંધકામ પરથી ભાડુઆતનો ઇરાદો સ્પષ્ટ થાય છે કે, તે આ મિલકતનો ઉપયોગ લાંબા સમય સુધી કરવા માંગતો હતો. ભાડુઆત એ સમજાવમાં સંદતર નિષ્ફળ રહ્યો છે કે, તેણે કેમ આ પાર્ટીશન દિવાલ ઇંટોથી અને મોર્ટારથી બનાવી હતી.
આ પણ વાંચો: ભાડૂઆત વિવાદમાં રેવન્યુ ઓથોરિટી અને મામલતદારને જ અંતિમ નિર્ણયની સત્તા: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
કબજો મકાનમાલિકને ચાર સપ્તાહમાં સોંપી દેવા આદેશ
એ પણ એટલી જ હહીકત છે કે, ભાડુઆતે મકાનમાલિકની લેખિત સંમંતિ વિના જ આ પાક્કું બાંધકામ કરી દીઘુ છે., જે ભાડુઆત શરતોના ભંગ સમાન ગણાય. આમ, જો કોઇ ભાડુઆતે ટીપી એકટની કલમ-108ની અનુચ્છેદ (ઓ)ની જોગવાઇ વિરૂઘ્ધ કૃત્ય કર્યુ હોય તો મકાનમાલિક વિવાદીત મિલકતના સ્થળની સ્થિતિ પાછી મેળવવા માટે હકદાર રહે છે. પ્રસ્તુત કેસમાં વિદ્વાન ટ્રાયલ કોર્ટે દાવો નકારી કાઢીને ગંભીર ભૂલ કરી છે, જેને વિદ્વાન એપેલેટ કોર્ટ દ્વારા પુરાવાઓનું પુનઃમૂલ્યાંકન અને પુનઃવિશ્લેષણ કરીને યોગ્ય રીતે સુધારવામાં આવ્યો હતો. જસ્ટિસ જે.સી.દોશીએ ભાડુઆતની રિવીઝન અરજી ફગાવતાં એપેલેટ કોર્ટના હુકમને બહાલ રાખ્યો હતો અને ભાડુઆતને મિલકતનો કબજો મકાનમાલિકને ચાર સપ્તાહમાં સોંપી દેવા આદેશ કર્યો હતો.










