![]()
વડોદરા,મિત્રના ઘરે પ્રોગ્રામમાં ગયેલા ટેલરના ઘરમાંથી ચોર સાડા ત્રણ લાખના સોનાના દાગીના ચોરી ગયો હતો. જે અંગે પાદરા પોલીસે તપાસ હાથ ધરી એક આરોપીને ઝડપી પાડયો છે.
પાદરા ટાઉનમાં કાછીયા પટેલની વાડીની બાજુમાં રહેતા અને દરજી કામ કરતા મેહુલ કુમાર ઘનશ્યામભાઈ મેંગરની ટેલરિંગની દુકાન છે. પાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત છઠ્ઠી તારીખે મારા મિત્ર હિતેશભાઈ ગઢવી તથા તેમની પત્ની મારા ઘરે આવ્યા હતા. તેમના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હોઈ મારી પત્ની તેમની સાથે ગઇ હતી. ઘરના તાળાની ચાવી મારી પાસે દુકાને હોવાથી મારી પત્ની માત્ર સ્ટોપર બંધ કરીને ગઈ હતી. રાત્રે સાડા આઠ વાગ્યે હું ઘરે આવીને તાળું મારીને મારા મિત્રના ઘરે ગયો હતો. તે દરમિયાન મારા ઘરમાંથી ચોર ટોળકી સોનાના દાગીના ૩. ૬૨ લાખ રૃપિયાના ચોરી ગઈ હતી. પાદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ચોરી કરનાર આરોપી ફરિયાદીનો મિત્ર હિતેશ ઉર્ફે ગઢવી ભૂપતભાઇ દરજી (રહે. અક્ષર હાઇટ,તાજપુરા રોડ, પાદરા, મૂળ રહેે.મુંજીયાસર ગામ, તા.બગસરા,અમરેલી) હોવાનું ખૂલ્યું હતું. જેથી, પોલીસે તેની ધરપકડ કરી તમામ દાગીના રિકવર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મિત્રને શંકા ના જાય તે માટે આરોપી હિતેશ તેને બાધા રાખવા માટે પણ લઇ ગયો હતો.










