![]()
વડોદરાઃ મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા-કરજણ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા હાલપુરતી ઉકેલાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી.પરિણામે આજે ફરી ૧૫ કિમી જેટલો ટ્રાફિક જામ થયો હતો.
વડોદરા થી કરજણ વચ્ચે ટ્રાફિક જામ થવાના કારણ સાંકડા બ્રિજ ઉપરાંત વરસાદ અને ખાડા છે.પરંતુ તંત્ર ખુદ બે વર્ષથી આ સમસ્યા ઉકેલી શકતું નથી અને તેને કારણે વાહનચાલકો તેમજ ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે.
આજે ફરી એક વાર પોર થી બામણગામ વચ્ચે લગભગ ૧૫ કિમી સુધીનો ટ્રાફિક જામ થયો હતો.જેને કારણે વાહન ચાલકો ૩ થી ૪ કલાક સુધી અટવાયા હતા.પોલીસ પણ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં લાગી હતી પરંતુ તેમ છતાં ચક્કાજામની સ્થિતિ વધુને વધુ વણસતી રહી હતી.
નોંધનીય છે કે,વડોદરા શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે જામ્બુવા બ્રિજ પાસે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને લઇ પહોંચ્યા હતા અને જામ્બુવા બ્રિજના ટ્રાફિકનો મહદઅંશે ઉકેલ આવ્યો છે.પરંતુ ત્યારપછીના પોર અને બામણગામના બ્રિજ ની સમસ્યા તેમજ ખાડાને કારણે ટ્રાફિક પર અસર થઇ રહી છે.









