![]()
વડોદરા,બાઇક ચલાવતા સમયે મોબાઇલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા બે મિત્રોને ઇજા થઇ હતી.જ્યારે અન્ય એક બનાવમાં અટલાદરા નારાયણવાડી પાસે ટેમ્પાની ટક્કર વાગતા પટકાયેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે.
દશરથ ગામ માધવનગરમાં રહેતો ઉર્પિત મહેશભાઇ પઢિયાર તેના મિત્રો ભૌમિક રમણભાઇ રોહિત (રહે. મહાકાળી ફળિયું, ઇન્દિરાનગર, દશરથ) તથા વિશાલ કરસનભાઇ તડવી (રહે. રમણ મોતીની ખરી,દશરથ ગામ) મોડીરાત્રે છાણી રામાકાકાની ડેરી પાસે ભેગા થયા હતા. ત્યારબાદ તેઓ બાઇક પર સિટિમાં સેવઉસળ ખાવા માટે બાઇક લઇને નીકળ્યા હતા. ઉર્પિત બાઇક ચલાવતો હતો. તે ફૂલ સ્પીડે બાઇક ચલાવતો હતો અને સાથે મોબાઇલ પર મેસેજ કરતો હતો. મળસ્કે સાડા ચાર વાગ્યે પંડયા બ્રિજ નીચે સામેથી આવતી બસ વળાંક લેતી હતી. તેથી ઉર્પિતની બાઇક બસ સાથે ધડાકાભેર અથડાતા ત્રણેય મિત્રો રોડ પર પટકાયા હતા. ત્રણેય મિત્રોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઉર્પિતનું મોત થયું હતું.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે રહેતો અવિશેક અશોકકુમાર ગુપ્તા (ઉં.વ.૨૯) હાલમાં બિલ અટલાદરા રોડ પર ગાંધી રોડ વિસ્તારમાં રહેતો હતો અને અટલાદરામાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આજે મળસ્કે પાંચ વાગ્યે તે બાઇક લઇને અટલાદરાથી પાદરા તરફ જતા રોડ પર નારાયણવાડી નજીક સ્પીડ બ્રેકર પરથી પસાર થતો હતો. તે દરમિયાન સામેથી આવતા એક ટેમ્પો ચાલકે તેને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો.અવિશેકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે ટેમ્પો ચાલક સંદીપ પ્રભાકરભાઇ દેશમુખ તથા ટેમ્પામાં બેઠેલા મુસાફરને પણ ઇજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
મિત્રોએ બાઇક ધીરે ચલાવવાનું કહેવા છતાંય ઉર્પિત માન્યો નહીં
ઉર્પિત ફૂલ સ્પીડે બાઇક ચલાવતો હોઇ તેની પાછળ બેઠેલા મિત્રોએ તેને કહ્યું હતું કે, તુ ફૂલસ્પીડે બાઇક ના ચલાવીશ, ધીરે ચલાવ.પરંતુ, ઉર્પિતે તેઓની વાત ધ્યાને લીધી નહતી અને બાઇક ફૂલ સ્પીડે ચલાવતો હતો. તેમજ મોબાઇલ પર મેસેજ કર્યા કરતો હતો.
ડભોઇ રોડ પર વાહનની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટિઝનનું મોત
ડભોઇ રોડની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા તુલસીભાઇ રમણભાઇ સોલંકી (ઉં.વ.૬૮) મોપેડ લઇને સોમા તળાવ ચાર રસ્તાથી ઘરે આવતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને તેઓને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજા થતાા મોત થયું હતું.










