![]()
સરકારના અપુરતા ટેકાથી ખેડૂતોની માઠી દશા : મિલરોની ભાવ રમત : પ્રતિ મણ મગફળીના ન્યુનત્તમ ભાવ રૂ।. 890થી ઘટીને રૂ।. 721 અને 15 કિલો સિંગતેલના રૂ।. 2250-2300થી વધીને રૂ।. 2290-2340
રાજકોટ, : ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતરના પગલે મગફળીનો અંદાજે 66 લાખ ટનનો મબલખ પાક ઉતર્યો છે અને સરકારને માત્ર 19 ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવા નિર્ણય લેતા ખેડૂતો હાલ માર્કેટમાં નીચા ભાવે મગફળી વેચી રહ્યા છે. મગફળીના ભાવમાં પ્રિ મણ આશરે રૂ।. 100થી 150 જેટલો વધુ ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ તેલલોબીએ રોજ રૂ।. 10 લેખે ચાર દિવસમાં રૂ।. 40નો કૃત્રિમ વધારો નફાખોરી માટે વધારી દીધો છે.
રાજકોટ યાર્ડમાં 4 દિવસ પહેલા પ્રતિ મણ મગફળી રૂ।. 890થી 1300ના ભાવ ખેડૂતોને મળ્યા હતા. આજે આ ભાવ ઘટીને રૂ।. 721થી મહત્તમ રૂ।. 1250 સુધી થયા છે. આમ, મગફળી સસ્તી થવા સાથે સિંગતેલ સસ્તુ થવું જોઈએ તેના બદલે ઉલ્ટુ તેમાં 4 દિવસથી કોઈ દેખીતા પરિબળો વગર ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે.
દરમિયાન સૌરાષ્ટ્રમાં મગફળીના તૈયાર થયેલા પાક ઉપર જ્યાં સંગ્રહવાની પુરતી સગવડ નથી ત્યાં મગફળીના પાથરા સતત વરસાદી માહૌલથી સડવા લાગ્યા છે. તે ઉપાડવા માટે મજુરનો ભાવ પણ વધી ગયો છે અને ડિઝલની મોંઘવારીથી થ્રેસરના ભાડા પણ વધ્યા છે. આ સ્થિતિમાં સરકારે તાકીદના ધોરણે નિયમો હળવા કરીને કમસેકમ 20 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની જરૂર છે ત્યારે માત્ર પ્રતિ ખાતેદાર માત્ર 70 મણ જેટલી મગફળી ખરીદવાની જાહેરાતોથી ખેડૂતોની માઠી દશા બેસી છે.










