![]()
Iran-Israel War Impact: ઈરાન- ઈઝરાયલ, અમેરિકા વચ્ચે છેલ્લા દસેક દિવસથી ચાલી રહેલા યુદ્ધની વિપરીત અસર ઉત્તર ગુજરાતના વેપાર ઉપર પડી છે. આ વિસ્તારમાં સૌથી વધુ ઉત્પાદન થતાં મસાલા પાક, ઈસબગુલ, બટાટા સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ દર વર્ષે અમેરિકા અને ગલ્ફના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ યુદ્ધના પગલે હાલમાં શિપિંગ કંપનીઓએ એકાએક ભાડાઓમાં તોતિંગ વધારો કરી દીધો છે. જેના લીધે મહેસાણા જિલ્લાના એક્સપોર્ટરોના જુદાજુદા માલ સામાનના 200થી 300 કન્ટેનર શિપિંગ યાર્ડ ઉપર અટવાઈને પડ્યા છે. આ ઉપરાંત બટાટાનું પણ વિદેશમાં થતાં નિકાસની ગતિ અટકી પડી હોવાથી તેના ભાવ સાવ તળીયે જતાં ખેડૂતો અને વેપારીઓને રોતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
કૃષિપાકોની નિકાસ સાવ અટકી પડી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધથી દસ દિવસથી તણાવભરી પરિસ્થિતિથી ગલ્ફના દેશોમાં વિમાની સેવા તેમજ શિપિંગસેવાઓ ઉપર અસર જોવા મળી રહી છે. અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય ફલાઈટો રદ કરી દેવામાં આવી છે. જ્યારે ખાદ્યસામગ્રીની હેરાફેરી કરતા કન્ટેનરોની અવરજવરમાં પણ ગતિરોધ થયો છે. વિશેષ કરીને શિપિંગ કંપનીઓએ માલવાહક કન્ટેનરોના ભાડામાં તોતિંગ વધારો કરી દેતાં ઉત્તર ગુજરાતમાંથી જીરૂ, વરિયાળી જેવા મસાલા પાકો, ઈસબગુલ, બટાટા જેવા કૃષિપાકોની નિકાસ સાવ અટકી પડી છે.
આ પણ વાંચો: ‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલના જણાવ્યાનુસાર, શિપિંગ કંપનીઓએ સામાન્ય દિવસોમાં એક કન્ટેનર દીઠ લેવાતાં 1500 ડોલર આજુબાજુના ભાડાની સામે હાલમાં 3500 ડોલર વસુલવામાં આવી રહ્યું છે. જેના લીધે એક્ષપોર્ટરોના 200થી 300 કન્ટેનરો હાલમાં શિપયાર્ડ ઉપર તેમજ શિપિંગલાઈન પર હોલ્ટ ઉપર અટવાયેલા પડ્યા છે. તેમણે કોમર્સ મંત્રી સમક્ષ શિપિંગ કંપનીઓ દ્વારા બીન જરૂરી શિપિંગભાડામાં વધારો કરવામાં ન આવે તે માટે દરમિયાનગીરી કરી તાકીદ કરાય તેવી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જીરા અને વરિયાળી સહીતના વિવિધ મસાલા પાકોના કુલ ઉત્પાદન પૈકીનો 55 ટકા માલ ઘરેલુ તેમજ 45 ટકા માલ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. જો યુધ્ધ હજુ પણ લંબાય તો વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવાની નોબત આવે તેમ છે.
યુદ્ધ લંબાય તો નિકાસ પ્રક્રિયા અવરોધાતા વેપારીઓને મોટો આર્થિક ફટકો પડશે
એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં 15મી માર્ચથી મસાલા પાકોની સિઝન શરૂ થશે. હાલમાં 25 હજાર બોરી જીરું, વરિયાળી પાંચ હજાર બોરી અને 3 થી 4 હજાર બોરી ઈસબગુલની દૈનિક આવક થાય છે. જેમાં જીરુંનો ભાવ સરેરાશ રૂપિયા 3700 થી 4200, વરિયાળી રૂપિયા બે હજારથી 4 હજાર જ્યારે ઈસબગુલ રૂપિયા 2500થી 2800 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. મસાલા પાકોના ઉત્પાદન પૈકી પંચાવન ટકા માલની ઘરેલું માંગ હોય છે. જ્યારે 45 ટકા મસાલા પાકો વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધને લીધે નિકાસની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. જો યુદ્ધ હજુ લંબાય તો આ વિસ્તારના વેપારીઓને મોટો આર્થિક ફટકો પડવાની સંભાવના જણાય છે.
બટાટાની નિકાસ અટકી પડતાં ભાવ ગગડ્યા
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે બટાટાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. જેમાંથી મોટા પ્રમાણમાં બટાટાના જથ્થાની નિકાસ ખાડી દેશોમાં થતી હોય છે. આ વર્ષે ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ પોતાના ખેતરોમાં બટાટાનું વિપુલ વાવેતર કર્યું હતું અને વાતાવરણ અનુકૂળ રહેતા બટાટાના ઉત્પાદનમાં પણ ઉછાળો આવ્યો છે. પરંતુ એકાએક ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થતાં જ બટાટાના નિકાસની પ્રક્રિયા અટકી પડતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મોટાભાગના કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો ભરાવો થતાં હાઉસફુલ થઈ ગયા છે. જેના ફળસ્વરૂપ હાલમાં બટાટાના ભાવમાં જોરદાર ઘટાડો થઈ ચૂક્યો છે. પ્રતિમણ માત્ર 100 રૂપિયાની આસપાસ ભાવ બોલાતા ખેડૂતો અને વેપારીઓ ચિંતામાં મુકાયા છે.










