અમદાવાદ, શુક્રવાર
દાણીલીમડાની ત્યકતા મહિલાને સોશિયલ મિડિયા મારફતે સુરતના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે લગ્ન છૂપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા હતા. જો કે સુરતના યુવકની પત્ની મહિલા સાથે વાત કરતાં જોઇ જતાં ભાંડો ફૂટયો હતો. યુવકે મહિલાને મારા પરિવારને આપણા લગ્નની જાણ થઇ હોવાની વાત કરીને ઘરે બોલાવી હતી. મહિલા સુરત ખાતે સાસરીમાં ગઇ તો પતિએ જ તકરાર કરીને તું જોઇતી નથી મારા ઘરમાંથી નીકળી જા કહીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસે સુરતના પતિ સામે માનસિક શારિરીક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા સાથે વાત કરતાં યુવકની પત્ની જોઇ જતાં ભાંડો ફૂટયો ઃ લગ્નની જાણ થયાનું કહી કરીને સુરત બોલાવી, તું જોઇતી નથી મારા ઘરમાંથી નીકળી જા કહીને તગેડી મૂકી
દાણીલીમડામાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં સુરતમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન 17 વર્ષ પહેલા ગોમતીપુરના યુવક સાથે થયા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાં બેકાર પતિ પત્ની સાથે અવાર નવાર તકરા કરતો હોવાથી કંટાળીને ૨૦૨૩માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ ત્રણ પુત્રીઓને લઇને દાણીલીમડા રહેતી હતી.
જ્યારે માર્ચે ૨૦૨૫માં તે ઇન્સ્ટાગ્રામ મારફતે સુરતના યુવક સાથે પરિચયમાં આવી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા મહિલા તેને મળવા સુરત ગઇ હતી તે સમયે યુવકે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને અપરિણીત છું તેમ કહેતા મહિલાએ પોતે પરિણીત અને ત્રણ પુત્રીઓ હોવાનું જણાવ્યું હતું તેમ છતાં મે ૨૦૨૫માં યુવક મહિલા સાથે લગ્ન કર્યા બાદ મહિલા તેની પુત્રીઓ સાથે દાણીલીમડા ભાડે રહેતી હતી અને પતિ સુરત અવર જવર કરતો હતો. મે મહિનામાં લગ્ન કર્યા હતા. જો કે બન્ને વચ્ચે વાતચીત ચાલતી હતી આ સમયે પતિની પહેલી પત્નીને તેના પતિએ બીજા લગ્ન કર્યાની જાણ થઇ હતી. જેથી પતિ મહિલાને તેના ઘરે બોલાવી હતી જ્યાં મહિલાએ પતિ સાથેના લગ્નની ઘરના સભ્યોને જાણ કરી હતી. તે સમયે પતિએ ફરિયાદી મહિલાને ગાળો બોલીને ઘરમાંથી કાઢી મૂકીને પતિએ ઘરનું ભાડુ અને ઘરખર્ચના રૃપિયા આપવાની પણ ના પાડી હતી.










