![]()
મુંબઈ : ધિરાણ દરની સરખામણીએ થાપણ દર એડજસ્ટ થવામાં સમય લાગી જતો હોવાથી શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કસના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ (એનઆઈએમ) રેપો રેટમાં શુક્રવારના ઘટાડા બાદ વધુ દબાણ હેઠળ આવી જવાની શકયતા છે. ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહેતી હોવાથી બેન્કિંગ ક્ષેત્ર સામે લિક્વિડિટી એક મોટી સમશ્યા બની રહે છે.
રેપો રેટમાં ઘટાડાની અસર વર્તમાન નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં જોવા મળશે. નાણાં નીતિની સમીક્ષા બેઠકના અંતે રિઝર્વ બેન્કે શુક્રવારે રેેપો રેટમાં વધુ ૦.૨૫ ટકા ઘટાડો કર્યો છે.
નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી વધારવા રિઝર્વ બેન્કે વર્તમાન મહિનામાં ઓપન માર્કેટ ઓપરેશન (ઓએમઓ) મારફત રૂપિયા એક લાખ કરોડની સરકારી સિક્યુરિટીઝની ખરીદવાનું જાહેર કર્યું છે.
લિક્વિડિટીના અન્ય પગલાં તરીકે પાંચ અબજ ડોલરના ત્રણ વર્ષના ડોલર/રૂપિયાના ખરીદ/વેચાણ વિનિમય હાથ ધરાશે. આમછતાં થાપણથી ધિરાણના ઊંચા પ્રમાણને ઘટાડવા બેન્કોએ થાપણ આકર્ષવા ઊંચા વ્યાજ દર જાળવી રાખવા પડશે જે તેમની વ્યાજ મારફતની આવક પર દબાણ લાવી શકે છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.
રેપો લિન્કડ લોનના દર નવેસરથી ગણાશે અને તે અગાઉ કરતા નીચા હશે. ધિરાણ દરમાં ઘટાડો તાત્કાલિક રહેશે જ્યારે થાપણ પરના વ્યાજ દર ઘટતા સમય નીકળી જાય છે.
બચતકારો પાસે તેમની બચતના નાણાંના રોકાણ માટે હવે અનેક વિકલ્પો ઊભા થયા હોવાથી તેઓ ઊંચી ઉપજ પૂરા પાડતા સાધનોમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે, જેને પરિણામે બેન્કોમાં થાપણ વૃદ્ધિ મંદ રહે છે. ૧૪ નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૦ ટકા રહી હતી જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૧૦.૨૦ ટકા રહ્યો હતો.










