![]()
વડોદરા : અનગઢ નજીકના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક પદાર્થ મળી આવવાના
બનાવમા રેલવેમાં જ કોન્ટ્રાક્ટ પર સિક્યુરીટ જવાન તરીકે નોકરી કરતા નિવૃત્ત આર્મી
જવાન મુસ્તાક અહેમદની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેનો કોર્ટમાં રજૂ કરતા
જ્યુ.મેજિ.એ આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બનાવની વિગત એવી છે કે,શનિવારના રોજ રેલવે ટ્રેક પાસે છ જેટલા બાંધેલા ફટાકડા મળી આવ્યા
બાદ આ બનાવ અંગે મુસ્તાક શેખ નામના સિક્યુરીટ જવાને નંદેસરી પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવી હતી. જો કે, તપાસમાં મુસ્તાકની હીલચાલ
શંકાસ્પદ જણાતા પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે પોતે જ રેલવે ટ્રેક પર ફટાકડા
મૂક્યા હોવાની કબૂલાત કરી હતી.
પૂછપરછમાં તેણે રેલવે કોન્ટ્રાક્ટમાં એક્સટેન્શન મેળવવા માટે આ
હરકત કરી હોવાનું જણાવ્યું હતું. જો કે, તેના જવાબો સંતોષકારક ન જણાતા આજે પીઆઇ વાઘેલાએ
તેના દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી
કે, આરોપી નિવૃત્ત આર્મી જવાન છે અને તે જમ્મુ-કાશ્મીરના
અનંતનાગ જિલ્લાનો વતની છે જ્યાં વારંવાર આતંકવાદી ઘટનાઓ બને છે એટલે આરોપી મુસ્તાક
અહેમદ શેખ આવા કોઇ કૃત્યમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવાની છે.બનાવમાં
અન્ય કોઇ શખ્સ સંડોવાયેલ છે કે કેમ તેમજ ખોટી ફરિયાદ આપી રેલવે અને પોલીસને ગેર
માર્ગે દોરી હોઇ તેમા તેનો શુ મલીન ઇરાદો હતો તેની તપાસ કરવાની છે.
આરોપીની નોકરીનું જે કાર્યક્ષેત્ર હતુ તે ખુબ જ વિશાળ છે અને
ભૂતકાળામાં પણ ઘણા આવા બનાવો બન્યાં હોઇ ભૂતકાળાના બનાવમાં તેની કોઇ સંડોવણી છે કે
કેમ ? તેની પણ તપા કરવાની છે. આરોપી
આર્મીમાથી નિવૃત્ત થયેલો છે અને તે હથિયાર અને વિસ્ફોટકની તાલીમ લીધેલી છે અને
તેણે દેશ વિરોધી કૃત્ય કર્યું છે ત્યારે તમામ દિશામાં ઉંડાણ પૂર્વક તપાસ કરવાની
છે. જ્યુ.મેજિ.એ આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.










