![]()
Indian Stock Markets: ઈરાન યુદ્ધના કારણે વધતા ભૂ-રાજનૈતિક તણાવની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે તેમજ સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને સવારથી જ દલાલ સ્ટ્રીટ પર વેચવાલીનું દબાણ થતાં રેડ ઝોનમાં જોવા મળ્યું હતું. આ તીવ્ર ઘટાડાને કારણે માત્ર ગણતરીના કલાકોમાં જ રોકાણકારોના અંદાજે 10 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા.
સેન્સેક્સ 1470 પોઈન્ટ તો નિફ્ટીઆમ 488 પોઈન્ટનો ઘટાડો
સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 1470.50 પોઈન્ટ ગગડીને 74,563 ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 488.05 પોઈન્ટના ઘટાડા સાથે 23,151.10 ના સ્તર પર આવીને સ્થિર થયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીને કારણે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે મુખ્ય સૂચકાંકો પર ભારે દબાણ રહ્યું હતું. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ 10 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું. બજારમાં ઘટાડાના મુખ્ય ચાર કારણો છે, જે નીચે મુજબ છે.
કાચા તેલના ભાવમાં ઉછાળો
ઈરાન દ્વારા બે ઓઇલ ટેન્કરો પર હુમલા બાદ ક્રૂડ ઓઇલના સપ્લાય અંગે ચિંતા વધી ગઈ છે, ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય ખોરવાઈ જવાનો ડર છે. આ જ કારણે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી અને આજે શુક્રવારે પણ તે 100.5 ડોલરની આસપાસ રહી હતી. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી તેલના ભાવ વધવાથી આયાત બિલ, મોંઘવારી અને કંપનીઓના ખર્ચમાં વધારો થાય છે. જેની સીધી અસર શેર બજાર પર પડી રહી છે.
વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો
પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વિશ્વભરના શેરબજારો દબાણમાં છે. એશિયામાં KOSPI, Nikkei 225, SSE Composite Index અને Hang Seng Index ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકામાં પણ બજાર નબળું રહ્યું હતું. Dow Jones 700થી વધુ પોઈન્ટ ગબડીને આ વર્ષે પ્રથમ વખત 47,000ની નીચે બંધ થયો હતો. આ સિવાય S&P 500 અને Nasdaq Compositeમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.
વિદેશી રોકાણકારોની સતત વેચવાલી
સ્થાનિક બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની વેચવાલી ચાલુ છે. એક્સચેન્જના આંકડા મુજબ, ગુરુવારે FIIએ અંદાજે 7,049.87 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો 39,000 કરોડ રૂપિયાથી વધુના શેર વેચવાલી કરી ચૂક્યા છે.
રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો
શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે વધુ નબળો પડ્યો હતો. રૂપિયો 12 પૈસા ઘટીને 92.37 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 92.33 પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન 92.37 સુધી ઘટી ગયો હતો.










