અમદાવાદ,રવિવાર
ડીજીટલ એરેસ્ટ સહિતના અન્ય સાયબર ક્રાઇમ આચરીને પડાવવામાં આવતી કરોડો રૂપિયાની રકમને ભારતની વિવિધ બેંકોના એકાઉન્ટમાં લઇને હવાલાથી ક્રિપ્ટો સહિતના ડીજીટલ પેમેન્ટ બ્લોક ચેઇનથી નાણાંને દુબઇથી કમ્બોડિયાના ચાઇનીઝ માફિયાઓને મોકલવાના કૌભાંડનો સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા પર્દાફાશ કરાયો છે. જેમાં લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરાવીને ઓફિસમાં ભાડાના બેંક એકાઉન્ટથી નાણાંકીય વ્યવહાર કરવાનું કૌભાંડ છ શખ્સો દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં અત્યાર સુધીમાં આરોપીઓએ ૧૯૦ કરોડ ઉપરાંતના નાણાં દુબઇ મોકલ્યા હોવાની વિગતો સામે આવી છે.
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે લખતર એપીએમસીમાં કેટલાંક લોકોએ પેઢી રજીસ્ટર્ડ કરી છે. પરતુ, તે પેઢીના સંચાલકો દ્વારા એપીએમસીમાં કોઇ વ્યવહાર કરવામાં આવતા નથી. જો કે તેમની ઓફિસમાં અનેક લોકોની અવરજવર રહે છે. જેમાં શંકાસ્પદ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા છેલ્લાં ઘણા સમયથી એપીએમસીમાં આવેલી ઓફિસની આસપાસ તેમજ તેમાં કામ કરતા લોકો પર વોચ ગોઠવવાાં આવી હતી. જેમાં પેઢીનાના નામે ચાલતી ઓફિસમાં બહારથી લોકોને બોલાવીને તેમના દસ્તાવેજના આધારે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમને ચોક્કસ રકમનું ભાડુ આપીને બેંક એકાઉન્ટમાં ગેરકાયદે આર્થિક વ્યવહાર થતા હોવાની વિગતો મળી હતી.
જેના આધારે પોલીસે દરોડો પાડીને છ શખ્સોની અટકાયત કરીને તેમની પાસેથી અન્ય લોકોના દસ્તાવેજોના આધારે ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટની વિગતો અને આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજ મળી આવ્યા હતા.
પોલીસ આ અંગે ઝીણવટ ભરી તપાસ કરતા ચોંકાવનારી વિગતો મળી હતી કે આરોપીઓએ ભાડેથી લીધેલા બેંક એકાઉન્ટ દ્વારા ૧૯૦ કરોડ રૂપિયા ઉપરાંતના ગેરકાયદે આર્થિક વ્યવહાર કરીને સાયબર ક્રાઇમ દ્વારા આવતા નાણાંને રોકડથી આંગડીયા પેઢી મારફતે અને યુએસડીડી, ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઇનની બ્લોક ચેઇન મારફતે દુબઇ મોકલ્યા હતા. જ્યાંથી કંબોડિયા અને બેંકકોગમાં કરોડો રૂપિયા મોકલાયા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમે હાલ વધુ તપાસ શરૂ કરી છે.










