![]()
– પ્રભુદાસ તળાવ વિસ્તારમાં શરણાઇના સૂર માતમમાં ફેરવાયા
– વહેલી સવારે બન્ને વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલા ચાલી થઈ હતી, હત્યારાને પોલીસે ઉઠાવી લીધો
ભાવનગર : ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક લગ્નના દિવસે યુવતીની ભાવિ ભરથારએ લોખંડના પાઇપના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. લિવ-ઇનમાં રહેતી યુવતીના આજે લગ્ન હતા ત્યારે ભાવિ પતિ સાથે પાનેતર અને રૂપિયા મામલે માથાકૂટ થઈ જતા ભાવિ પતિએ વહેલી સવારે લોખંડના પાઇપના ઘા ઝીંકી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારો હિસ્ટ્રીસિટર છે અને તેના પર અનેક ગુના નોંધાયા છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવા પ્રકારની છે કે, શહેરના પ્રભુદાસ તળાવ ફાયર બ્રિગેડ ઓફિસ પાછળ આવેલ મફતનગર શેરી નંબર ૧૦માં રહેતી યુવતી સોનીબેન હિંમતભાઈ રાઠોડને આજ વિસ્તાર ખાતે રહેતો સાજન ખન્નાભાઈ બારૈયા નામના શખ્સ સાથે પ્રેમસંબંધ પાંગર્યો હતો. પરંતુ બન્નેના પરિવાર લગ્ન કરવાની સહમતી આપતા નહોતા. જેથી યુવતી સોનીબેન સાજન સાથે લિવ-ઇનમાં રહેતી હતી. દરમિયાનમાં બન્ને પરિવારની સહમતી મળી જતા બન્નેના લગ્ન આજે એટલે કે, ૧૫ નવેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવ્યા હતા અને કંકોત્રી છપાઈ ગઈ અને કુટુંબ અને પરિવારમાં લગ્નના નિમંત્રણરૂપી કંકોત્રી પણ વેચાઈ ગઈ હતી અને શરણાઇના સૂર પરિવારના પટાંગણમાં ગુંજી ઉઠયા હતા. બન્ને પરિવારમાં ખુશીનો મહોલ હતો અને ગતરોજ ૧૪ નવેમ્બરના રોજ યુવતી સોનીબેનની પીઠીની વિધિ યોજવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન બન્ને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં સોનીબેન તેના પિતાના ઘરે આવી ગયા હતા. સાજન ખુબ ઝુનુની સ્વભાવનો હોવાથી સોનીબેનના પરિવારજનો સોનીબેનને તેના નાનીના ઘરે મુકી આવ્યા હતા. જેથી સાજન તેમના ઘરે આવી સોનીબેનના ભાઈને છરી બતાવી ઢીકા પાટુનો માર મારી તથા તેમના પિતાને ધોકા વડે મારમારી ત્યાંથી તેમના નાની માના ઘરે જઈ સોનીબેનનું અપહરણ કરી તેના ઘરે લઈ જઈ સાજને ભાવિ પત્ની સોનીબેનને માથા અને શરીરના ભાગે લોખંડના પાઇપના ઘા ઝિંકી દીધા હતા અને સોની બેનને પકડી દિવાલ સાથે માથા ભાટકડી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટના સ્થળે લોહીથી લથપથ સોનીબેનનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આમ, શરણાઇના સૂર માતમમાં ફેરવાયા હતા. આ બનાવની જાણ થતાની સાથે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ વિપુલભાઈ હિંમતભાઈ રાઠોડે ગંગાજળિયા પોલીસ મથકમાં સાજન ખન્નાભાઈ રાઠોડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે હત્યારા સજન ખન્નાભાઈ રાઠોડને પોલીસે ઉઠાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે ડીવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, બન્ને વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલા ચાલી થઈ હતી અને ઝઘડામાં આ સમગ્ર બનાવ બન્યો હતો.
હત્યારો શરીર સંબંધી અને લૂંટના ગુનામાં સંડોવાયેલો છે
પહેલા પ્રભુદાસ તળાવમાં ભાવી પત્નીની હત્યા કરનાર સાજન ખન્નાભાઈ રાઠોડ શરીર સંબંધી અને લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલ છે. તદુપરાંત સજન પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો હોવાનું ડીવાયએસપી આર આર સિંઘલે જણાવ્યું હતું.
…તો હત્યાનો બનાવ અટકી શક્યો હોત
સાજન ખન્નાભાઈ રાઠોડ એ ૧૪ નવેમ્બરની રાત્રીના સમયે પ્રભુદાસ તળાવ ફાયર બ્રિગેડ ઓફિસ પાછળ આવેલ મફતનગરમાં રહેતા પરિવારને લોખંડના ડમ્બલ વડે માર મારી ઘરમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.આ મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નહતા. માત્ર ફરિયાદ નોંધી સંતોષમાની લેતી પોલીસે જો હિસ્ટ્રીસિટર સજનને પકડી લીધો હોત તો હત્યાનો બનાવ અટકી શક્યો હોત.










