![]()
– વલ્લભ વિદ્યાનગરમાં એસટી યુનિવર્સિટીમાં
– યુનિવર્સિટીના સત્તાધિશો પાસેથી ન્યાય ન મળવાની આશંકાએ 15 દિવસ બાદ સીસીટીવી તપાસની કાર્યવાહીની પ્રાધ્યાપકે માંગ કરી
આણંદ : વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવસટીના લાફા કાંડ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. લાફા કાંડના પીડિત પ્રાધ્યાપક દ્વારા સરદાર પટેલ યુનિવસટીના સત્તાધીશો પાસેથી ન્યાય ન મળવાની આશંકાને લઇ આખરે ૧૫ દિવસ બાદ વિદ્યાનગર પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી આ મામલે હુમલો કરનાર અંગ્રેજી વિભાગના મહિલા વડા વિરુદ્ધ કાયદેસર રીતે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સાથે પીડિત પ્રાધ્યાપકે વિદ્યાનગર પોલીસ સહિત ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી છે.
ગત તા. ૧૮મી માર્ચના રોજ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવસટીને કલંકિત કરતી ઘટના યુનિવસટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં બની હતી. ડિપાર્ટમેન્ટના વડા ડો પારુલ પોપટે એક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય ચલાવી રહેલા વિભાગના પ્રાધ્યાપક ડો. મનીષ સોલંકી સાથે આંતરિક કસોટી બાબતે દલીલબાજી કરી મનીષ સોલંકીને લાફો મારી દીધો હતો. આ મામલો યુનિવસટીમાં પહોંચતા યુનિવસટી દ્વારા કમિટી રચી ગોકળગાય ગતિએ તપાસ શરૂ કરવામાં આવી હતી. બાદમાં ડો પારૂલ પોપટને અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ડો પારૂલ પોપટ દ્વારા યુનિવસટીમાં મનીષ સોલંકી વિરુદ્ધ આક્ષેપો સાથેની ફરિયાદ કરવામાં આવી હતી. જેના જવાબમાં મનીષ સોલંકીએ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવા જણાવ્યું હોવાનું લેખિત રજૂઆતમાં જણાવ્યું છે. આરટીઆઈ એક્ટ મુજબ, ડો મનીષ સોલંકી જે તે સમયના સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ માંગણી કરી હતી.
જોકે, ન્યાય મળવાની શક્યતા નહિવત જણાતા આખરે ડો. મનીષ સોલંકીએ ઘટનાના ૧૫ દિવસ બાદ વિદ્યાનગર પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરતા શિક્ષણ નગરીનું વાતાવરણ પુનઃ એકવાર ગરમાયું છે. પીડિત પ્રધ્યાપકે વિદ્યાનગર પોલીસ મથકની સાથે સાથે શિક્ષણ મંત્રીથી લઈ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા રાજ્ય પોલીસ વડા ને પણ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.
સીસીટીવી ફૂટેજ બાબતે પોલીસે શું પગલાં લે છે તેના પર મીટ મંડાઇ
રાજ્યભરમાં ગુંજેલ લાફા કાંડ પ્રકરણમાં વર્ગખંડ ખાતે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મુખ્ય પુરાવો છે. જોકે આ ઘટના બહાર આવી ત્યારથી જ સીસીટીવી કેમેરાના ફૂટેજ બાબતે અનેક ચર્ચાઓ ઉઠી છે ત્યારે હવે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી નિરીક્ષણ કરી આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર છે. બીજી તરફ જો સીસીટીવી કેમેરાના ફૂટેજ ગાયબ હોય પુરાવાનો નાશ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.










