![]()
Toxic Gas Leak Issue in Vadodara : સંસ્કારી નગરી વડોદરાના ગોરવા, સુભાનપુરા અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે વાતાવરણમાં ફેલાતો ઝેરી અને દુર્ગંધયુક્ત ગેસ નાગરિકો માટે આશીર્વાદને બદલે અભિશાપ બની રહ્યો છે. જવાબદાર કંપનીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને હવામાં કેમિકલયુક્ત ગેસ છોડવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે તંત્ર સામે મોરચો માંડ્યો છે.
આરોગ્ય પર ગંભીર અસરો
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દરરોજ રાત્રે ફેલાતી તીવ્ર દુર્ગંધને કારણે હજારો લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં અસહ્ય બળતરા અને ચામડીના રોગો જેવી સમસ્યાઓ થઈ રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ ઝેરી હવા જીવલેણ સાબિત થઈ શકે છે. એલેમ્બિક વિસ્તારની આસપાસ આવેલી કંપનીઓ શંકાના દાયરામાં છે.
તંત્રને આખરી ચેતવણી
સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને વહીવટી તંત્રને સવાલ કર્યો છે કે, શું નાગરિકોનું આરોગ્ય ઉદ્યોગોના નફા કરતા સસ્તું છે? તેમણે ચીમકી આપતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં આ ઝેરી ગેસ છોડવાનું બંધ નહીં કરવામાં આવે અને જવાબદાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો વિસ્તારના રહીશોને સાથે રાખીને ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.
કાયદાકીય લડતની તૈયારી
પ્રદૂષણ ફેલાવતા એકમો સામે માત્ર આંદોલન જ નહીં, પરંતુ નામદાર કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવાની પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે તેવી મક્કમતા વ્યક્ત કરવામાં આવી છે.










