![]()
Vadodara News: વડોદરા જિલ્લામાં વિવિધ ખનીજોનું વહન કરતા વાહનો પર બાજ નજર રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા જીપીએસ (GPS) સિસ્ટમ અનિવાર્ય કરવામાં આવી છે, પરંતુ આ યોજનાના અમલીકરણમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગની ઘોર ઉદાસીનતા સામે આવી છે. નવાઈની વાત એ છે કે, જિલ્લામાં કેટલા વાહનોમાં જીપીએસ લાગ્યા છે કે કેમ, તેની કોઈ જ માહિતી સ્થાનિક કચેરી પાસે ઉપલબ્ધ નથી.
ગાંધીનગરનું નામ આગળ ધરી જવાબદારીમાંથી છટકતું તંત્ર
જ્યારે સ્થાનિક ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ આખી સિસ્ટમ ‘ગાંધીનગરથી ઓપરેટ થાય છે’ તેમ કહીને હાથ અદ્ધર કરી દે છે. ખનીજ ઉત્પાદકો દ્વારા નવા કાયદાનો અમલ કઈ રીતે કરવો, તેની કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન પણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ નથી. પરિણામે સ્થાનિક તંત્ર માહિતીના અભાવે પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.
આ પણ વાંચોઃ ખનીજ લઈ જતા વાહનોમાં GPS ચાલુ નહીં હોય તો રોયલ્ટી પાસ બંધ, ગેરરીતિ કરવા લેવાયેલો નિર્ણય
કાયદેસર ધંધો કરનારા પર તવાઈ, ખનીજ ચોરોને જલસા?
ખનીજ ઉત્પાદકોમાં ઉગ્ર રોષ છે કે સરકારના આ નવા નિયમોની સૌથી માઠી અસર પ્રામાણિકપણે રોયલ્ટી ભરીને વ્યવસાય કરતા વેપારીઓને થશે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ જેઓ રોયલ્ટી પાસ મેળવીને કાયદેસર ખનન અને વહન કરે છે, તેઓ ટેકનિકલ આંટીઘૂંટીમાં ફસાશે. બીજી તરફ, રોયલ્ટી વગર બેફામ ખનીજ ચોરી કરતા તત્વોને આ સિસ્ટમથી કોઈ ફરક પડવાનો નથી. આવી સ્થિતિમાં રોયલ્ટી ચોરી ઘટવાને બદલે વધવાની શક્યતા છે, કારણ કે કેટલાક ઉત્પાદકો જીપીએસ બંધ કરીને પણ બિન્ધાસ્ત વેપાર કરે તેવી વકી છે.
નવા નિયમોથી ‘હપ્તાખોરી’ વધવાની આશંકા
જીપીએસ સિસ્ટમના અમલ સાથે જ ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર વધશે તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. જાણકારોના મતે, ખનીજ માફિયાઓને બચાવવા માટે અને નિયમોના ભંગ બદલ કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓ દ્વારા હપ્તાખોરી વધી શકે છે.
હાલમાં પણ નદીઓમાંથી રેતીનું ગેરકાયદે વહન થતું હોય તેવા કિસ્સામાં તંત્ર માત્ર એકાદ-બે કેસ કરીને સંતોષ માની લે છે, જ્યારે ‘સેટિંગ’ હોય તેવા સ્થળોએ બેફામ ખનન ચાલુ રહે છે. પર્યાવરણની મંજૂરી વિના ધમધમતી ખાણો પર પણ અધિકારીઓની રહેમનજર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.










