![]()
Vadodara Corporation : વડોદરા શહેરમાં આગામી સમયમાં પાર્કિંગ પોલિસીની સાથે સાથે સ્ટ્રીટ વેડિંગ પોલિસીનો પણ અમલ કરાવી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને શહેરમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવા અંગે કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હજુ તાજેતરમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરવાની માગણી સાથે કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. વર્ષ 2014માં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી લાવવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી.
વર્ષ 2017 માં કોર્પોરેશન દ્વારા લારી ગલ્લાવાળાઓનો સર્વે કરવામાં આવ્યો હતો, તે સમયે નોંધાયેલી 11,379 લારીઓ હતી. આ વાતને આજે આઠ વર્ષ થઈ ગયા છે. જે દરમિયાન બીજી સેકડો લારીઓ વધી ગઈ છે, અત્યારે લારીવાળાઓનો ખરેખર સાચો આંકડો કેટલો છે એ જાણવા માટે પણ સર્વે કરવામાં આવશે. હાલ શહેરમાં લારી ગલ્લાઓનો રાફડો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13 અને 14માં એટલે કે રાવપુરા, માંડવી, પાણીગેટ, ચાર દરવાજા વિસ્તારમાં લારી ગલ્લાવાળાઓની સમસ્યા વધુ છે. લારીવાળાઓ ફૂટપાથ ઉપર ધંધો કરે છે, ત્યારે ટેન્ટ ઉભા કરી ટેબલ ખુરશી ગોઠવી દે છે, જેના કારણે રાહદારીઓને ચાલવાની પણ જગ્યા મળતી નથી. કોર્પોરેશન હવે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાવી રહી છે, ત્યારે લારીધારકને પોતાની એક કરતાં વધુ લારી નહીં ઉભી રાખવા અપીલ કરવામાં આવશે. એક જ ઘરમાંથી બે ત્રણ લારીઓ ઉભી રાખવામાં આવે છે, જેના કારણે દબાણ વધતાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાય છે. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીમાં આવા બધા નીતિ નિયમો પણ આવરી લેવામાં આવશે. જોકે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે કે લારીગલ્લાવાળાને રોજગાર મળવો જોઈએ, પરંતુ એનો અર્થ એ નથી કે રોડ પર ઉભા રહીને દબાણ કરે અને ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા સર્જે.










