![]()
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર ઢોરવાડામાં રખડતા પકડેલા ઢોર રાખવામાં આવે છે. આ ઢોરોનું રોજનું અંદાજે 2000 કિલો ગોબર નીકળે છે. આ ગોબરમાંથી કોર્પોરેશન હવે ગૌ પ્રોડક્ટ બનાવવા માંગે છે. આ સંદર્ભે એક દરખાસ્ત આજ રોજ કોર્પોરેશનમાં મળનારી જનરલ બોર્ડની મીટીંગના એજન્ડા પર મંજૂરી માટે મૂકવામાં આવી છે.
તહેવારોમાં પીઓપીની મૂર્તિઓના ઉપયોગથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા અને ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે માટે કોર્પોરેશન ગોબરમાંથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ સહિતની ચીજ વસ્તુઓ બનાવી રોજગારી ઊભી કરવા પ્રયાસ કરવા માંગે છે. ઢોરવાડામાંથી હાલમાં ગોબરનો જથ્થો નિયમિત ભેગો થાય છે, તેમાંથી હમણાં કોર્પોરેશનના બાગ બગીચાઓ માટે સેન્દ્રીય ખાતર બનાવવામાં આવે છે. ઘણો જથ્થો કોર્પોરેશનના ડમ્પીંગ સાઈટ પર પણ લઈ જવામાં આવે છે. ગાયના પંચગવ્યમાંથી ગૌમય ગણેશોત્સવ, કામધેનુ દિપાવલી અભિયાન, ગોપાષ્ટમી ઉત્સવ, ગાય આધારિત કિચન ગાર્ડન વર્કશોપ, પંચગવ્યના નિઃશુલ્ક પ્રશિક્ષણ વર્ગ રાખીને લોકોને તેમાંથી વસ્તુઓ બનાવવાનું શીખવાડવામાં આવશે. કોર્પોરેશનના યુસીડી પ્રોજેક્ટ હેઠળ કામ કરતી સખી મંડળની બહેનો, સંસ્થા, મૂર્તિકાર સહિતના લોકોને ગોબર ક્રાફ્ટની તાલીમ આપવામાં આવશે. હોળી માટે ગોકાષ્ઠ, સ્મશાન માટે મોક્ષ કાષ્ઠ, શ્રીજી પ્રતિમા, કોડિયા, તોરણ સહિતના ઉત્પાદનો ગોબરમાંથી બનાવી શકાય તેમ છે. કોર્પોરેશન ઢોર ડબ્બા ખાતેથી છાણ વિનામૂલ્યે આપશે, અને તેની અવેજીમાં ગોબરમાંથી બનેલી પ્રોડક્ટસ રાહતદરે નાગરિકોને આપશે.










