![]()
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનો સમયસર પહોંચે તે માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3નું ભારણ ઘટાડવા સુરત સાઈડથી આવનારી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 4, 5, અને 6 પર ડાયવર્ટ કરવા રેલવે સ્ટાફની માગ છે.
વડોદરા રેલવે સ્ટાફ દ્વારા જણાવાયું છે કે, વડોદરા રેલવે સ્ટેશન પર દરરોજ મોટી સંખ્યામાં ટ્રેનોની અવરજવર રહે છે. ટ્રેનો સમયસર ચાલતી હોવા છતાં સ્ટેશન પર વિલંબથી પહોંચતા મુસાફરોને અનાવશ્યક વિલંબ સહન કરવો પડે છે. વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મની અછત હોવાના કારણે હાલ અપ અને ડાઉન બન્ને દિશાની મોટાભાગની ટ્રેનો પ્લેટફોર્મ નં. 2 અને 3 પરથી પસાર થાય છે. પરિણામે આ પ્લેટફોર્મ પર ટ્રેનોનું ભારણ વધતા ટ્રેનો સ્ટેશન પર પહોંચવામાં મોડી પડે છે. વિશ્વામિત્રી સાઈડ પર રેલવેની લાઈનનું ડાઉન ટ્રેનના ડાયરેક્ટ લાઈન જોઈન્ટનું કામ પૂર્ણ થયું છે. જો આ લાઇન કાર્યરત કરવામાં આવે તો સૂરત સાઈડથી આવતી ડાઉન ટ્રેનો સીધી રીતે પ્લેટફોર્મ નં. 4, 5 અને 6 પરથી પસાર થઈ શકે, જેના કારણે સમય બચી શકે અને ટ્રેનો સમયસર આવન-જાવન કરી શકે. વડોદરાના મુસાફરો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે, તમામ પેસેન્જર ટ્રેનો સમયસર આવન-જાવન કરે, પરંતુ અધિકારીઓ દ્વારા આ મુદ્દે કોઈ અસરકારક પગલાં લેવાતા નથી.










