![]()
– નીતિ નિયમોને નેવે મુકાયા હોવાનો પૂર્વ નગરસેવકનો આક્ષેપ
– ખખડધજ માર્ગથી વાહનચાલકોને પારાવાર હાલાકી, તંત્રવાહકોની લાપરવાહી સામે રોષ
વલ્લભીપુર : વલ્લભીપુરમાં હાઈવે પરની બજરંગ હોટલ પાસે આવેલો પુલ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોય આજથી થોડા સમય પહેલા આ પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકી તાત્કાલીક નીચેના ભાગે ડાયવર્ઝન કરાયો હતો. તે માર્ગની ખખડધજ હાલતને લઈને વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે.
વહિવટીતંત્ર દ્વારા વલ્લભીપુરના આ મુખ્ય પુલ ઉપર કામગીરી થઈ રહી હોય વાહન વ્યવહાર બંધ કરાતા વાહનચાલકોને ફરજીયાતપણે ડાયવર્જનના માર્ગ પરથી પસાર થવાનો વખત આવે છે. હાલ આ માર્ગ ટૂંકા ગાળામાં ગંભીર હાલતમાં થઈ જવા પામ્યો છે. અહિં માટી, ખુબ મોટા પ્રમાણમાં ઉડતી હોય છે અને ઠેર-ઠેર નાના મોટા ખાડાઓ પડી ગયા હોય વાહન અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે વાહનચાલકોને પારાવાર હેરાનગતિનો સામનો કરવો પડે છે. આર.એન્ડ બી. ના પેટા વિભાગ દ્વારા આ કામગીરી એક મહિના પહેલા નીતિનિયમોને નેવે મુકીને કરાઈ હોય અત્રે છાસવારે વાહન અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમ જણાવી વલ્લભીપુરના પુર્વ નગરસેવક આરીફખાન પઠાણે આ અંગે આક્રોશ વ્યકત કરી યોગ્ય સુવિધા પુરી પાડવા માંગ કરી છે.










